Last Updated on by Sampurna Samachar
એક વર્ષથી વધુ સમય ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમય ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ઈઝાયેલે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ હમાસે પણ બંધકોને મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈઝરાયલે જાહેરાત કરી છે કે, ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોને છોડી મુકવાની સમજૂતીનો વિવાદ ઉકેલાઈ ગયો છે. આ ર્નિણય બાદ હમાસ બે અઠવાડિયામાં બે બેંચોમાં વધુ છ બંધકોને મુક્ત કરશે.
યુદ્ધવિરામ જાહેર થયા બાદ યહુદી રાષ્ટ્રએ નેત્જારિમ કૉરિડોર દ્વારા સેંકડો હજારો વિસ્થાપિત ગાઝાવાસીઓને પોતાના ઘરે પરત ફરવાની મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ ગાઝા પટ્ટીમાં હમાસના મંત્રાલયે પુષ્ટી કરી છે કે, ‘રવિવારે રાત્રે ઈઝરાયેલ સાથે સફળ બેઠક યોજાઈ છે, ત્યારબાદ વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓએ ઉત્તર ગાઝામાં પરત ફરવાનું શરૂ કરી દીધું છે.
હમાસે પણ ર્નિણય લીધો છે કે, તે આ અઠવાડિયાની અંદર વધુ છ બંધકોને મુક્ત કરશે, જેમાં અર્બેલ યેહુદ પણ સામેલ છે. વાસ્તવમાં ઈઝરાયેલે પોતાના નાગરિક યેહુદને મુક્ત કરવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને તેણે ગાઝામાં પેલેસ્ટાઈનીઓને પરત ફરતા અટકાવી દીધા હતા. ત્યારબાદ હમાસે યેહુદને પણ મુક્ત કરવાનો ર્નિણય લીધો છે.
ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર નિવેદન મુજબ, ‘વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નેતૃત્વ હેઠળ ચર્ચા-વિચારણા કર્યા બાદ હમાસે પાછી પાની કરી છે અને તે વધુ બંધકોને મુક્ત કરશે. તેમાં એમ પણ કહેવાયું છે કે, હમાસ ઈઝરાયેલી નાગરિક અર્બેલ યેહુદ, સૈનિક અગમ બર્ગર અને અન્ય એક બંધકને ગુરુવારે મુક્ત કરશે, જ્યારે અન્ય ત્રણ બંધકોને મુક્ત કરવામાં આવશે.’