Last Updated on by Sampurna Samachar
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દહેગામ તાલુકાની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, ૨૪-૦૬-૨૦૨૨ના રોજ દહેગામના ચેખલાપગી ગામે રહેતા દશરથસિંહ દીપસિંહ રાઠોડે નજીકમાં રહેતી પરિચિત સગીરાને ફોસલાવી અપહરણ કર્યું હતું. સગીરાના પિતાએ દશરથસિંહ સામે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાને ઉગારી હતી. દહેગામ પોલીસે આરોપીની ધરપકડ બાદ ચાર્જશીટ રજૂ કર્યું હતું.
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ.ડી. મેહતા સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સાક્ષી અને પુરાવાઓના આધારે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી. બનાવ સમયે સગીરાની ઉંમર માત્ર ૧૬ વર્ષ અને ૪ મહિના હતી. આ હકીકત જાણવા છતાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સમાજમાં આ પ્રકારના ગુના અટકે અને દાખલો બેસે તે હેતુથી આરોપીને સખત સજા કરવા કોર્ટમાં રજૂઆત થઈ હતી. બંને પક્ષની દલીલો બાદ પુરાવાના આધારે કોર્ટે આરોપી દશરથસિંહ દીપસિંહ રાઠોડને ૨૦ વર્ષ કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો હતો.