Last Updated on by Sampurna Samachar
સમગ્ર કેસની તપાસ માટે SIT ટીમની રચના કરાઇ
કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા.

સમગ્ર કેસ મામલે તપાસ માટે SIT ની રચના કરાઈ છે. ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા.
પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી
બેઠક બાદ કોળી સમાજના ૩ સાંસદ અને ૧૫ ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માંગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક ૨૯ ડિસેમ્બરની મોડી રાતે આઠ શખ્સોએ યુવક પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSP એ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો.
મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSP એ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચિટ આપી હતી.
બગદાણાના નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક આઠ લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, બગદાણા પોલીસ દ્વારા આઠ શખસો ઘટનાસ્થળે લઈ જઈ પંચનામુ કરી ધરપકડ કરી હતી અને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી વી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.