વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની મેસમાં સવારે નાસ્તામાં બટાકા પૌંઆ ખાધા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પડુસ્મા ગામમાં આવેલી શાંતિનિકેતન નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં સવારે નાસ્તામાં બટાકા પૌઆ આપવામાં આવ્યા હતાં. તે ખાધા બાદ ૨૮ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હોવાની ફરિયાદ ઉઠી હતી. ફૂડ પોઇઝનની અસર થઇ હોવાની શંકાના આધારે અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે નજીકના ચરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે પૈકી ૭ વિદ્યાર્થિનીને વધુ પડતા ઉબકા અને ઉલટીની અસર જણાતા દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વિગત એવી છે કે માણસા તાલુકાના પડુસ્મા ગામમાં આવેલી શાંતિનિકેતન નર્સિંગ કોલેજમાં ૨૦૦ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. તે પૈકી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને સવારે નાસ્તામાં બટાકા પૌઆનો નાસ્તો આપવામાં આવ્યો હતો. તે ખાધા બાદ ઉપકા આવવાની અને વોમિટ થવાની ફરિયાદ વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવી હતી. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા કોલેજ મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા તેમણે માણસા તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરી અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને નજીકના ચરાડા સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેમાંથી ૭ વિદ્યાર્થિનીની તબિયત વધારે નાજુક હોવાથી દાખલ કરી તાકિદે સારવાર શરૂ કરવામાં આવી હતી. તે પૈકી બે વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ઓછી અસર જણાયેલી વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી હોસ્ટેલમાં પરત મોકલવામાં આવી હતી.
આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જીજ્ઞેન અસારીએ જણાવ્યુ કે જાણ થતાની સાથે તેઓ ૩ મેડિકલ ઓફિસરની ટીમ સાથે પડુસ્મા નર્સિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતાં અને ત્યાંથી ચરાડા સીએચસી જઇ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યુ કે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને સવારે નાસ્તામાં બટાકા પૌઆ આપવામાં આવ્યા હતાં. તે ખાધા પછી ઉબકા અને ઉલટીની અસર થઇ હતી. તબીબની ટીમ દ્વારા હોસ્ટેલ અને નર્સિંગ કોલેજમાંથી પાણીના નમુના લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. મોટી સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિઓના આરોગ્યની સ્થિતિ સ્થિર હોવાનું જણાઇ આવ્યુ છે.