અડાલજ પોલીસ ગુનો દાખલ કરી માતાની શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના અંબાપુર ગામમાં માતાની ક્રૂરતાનો કાળજુ કંપાવી દે તેવો કિસ્સો બહાર આવ્યો છે. અનેક લોકો સંતાન માટે વલખા મારતા હોય છે ત્યારે વણજોઈતા સંતાનને અત્યંત ક્રૂર રીતે મોતના હવાલે કરી દેવાની ઘટનાએ સભ્ય સમાજમાં ચિંતા પ્રસરાવી છે. અંબાપુર ગામના પડતર પ્લોટમાં નિષ્ઠુર માતાએ નવજાત બાળકને ત્યજી દીધુ હતું. પશુઓએ ફાડી નાખેલી હાલતમાં નવજાતનો મૃતદેહ મળી આવતાં અડાલજ પોલીસે નિષ્ઠુર જનેતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અંબાપુર ગામના માલજીવાસમાં રહેતા કાળાજી અંકાજી ઠાકોર ખેતી કરે છે તથા કોબા અડાલજ રોડ પર ફોરવ્હીલ ગેરેજ ચલાવે છે. મંગળવારે કાળાજી પોતાના ગેરેજ ઉપર હાજર હતા. એ વખતે ઢળતી સાંજે તેમની પત્ની સવિતાબેને ફોન કરીને જણાવ્યુ હતું કે, આપણા ઘરની પાછળના ભાગે માલજીવાસમાં દશરથજી ચુંડાજી ઠાકોરનો ખાલી પડતર મકાન બનાવવાનો પ્લોટ છે. તેમાં એક અજાણ્યા તાજા જન્મેલા બાળકની લાશ પડી છે. આ સાંભળી કાળાજી બધા કામકાજ પડતાં મૂકીને ઘરે દોડી આવ્યા હતા.
કાળાજીએ સ્થળ પર જઈને જોયું તો આશરે બે દિવસ પહેલાં જન્મેલા શીશુની લાશ દશરથજી ચુઠાજી ઠાકોરના ખાલી પ્લોટમાં હતી. નવજાતની કમરથી નીચેનો ભાગ કોઈ પ્રાણીએ ફાડી ખાધો હતો અને ડાબો હાથ પણ ગાયબ હતો. કમર નીચેનો ભાગ પશુઓએ ફાડી ખાધો હોવાથી ત્યજી દિધેલ નવજાત શીશ છોકરો છે કે છોકરી તેની કોઈ ખબર પડતી ન હતી. હૈયુ કંપાવી દે તેવી આ ઘટના અંગે જાણ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગુનો દાખલ કરી માતાની શોધખોળ શરૂ કરી છે.