Last Updated on by Sampurna Samachar
સંજુ સેમસને શાનદાર ઈનિંગથી જીતી લીધું ગૌતમ ગંભીરનું દિલ
આ ઈનિંગને હંમેશા યાદ રાખવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંજુ સેમસને ધમાકેદાર ૯૭ રનની અણનમ ઈનિંગની મદદથી ન માત્ર ટીમ ઈન્ડિયાને ટી૨૦ વિશ્વકપના સેમીફાઈનલમાં પહોંચાડી છે, પરંતુ ક્રિકેટ જગતમાં ગૌતમ ગંભીરની એક જૂની ભવિષ્યવાણીને સાચી સાબિત કરી છે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૯૬ રનના ટાર્ગેટનો પીછો કરતા સેમસને ૫૦ બોલ પર ૧૨ ચોગ્ગા અને ૪ સિક્સની મદદથી ભારતને મહાજીત અપાવી હતી. આ ઈનિંગ જાેઈ ફેન્સને ગંભીરનું તે નિવેદન યાદ આવી ગયું, જે તેણે વર્ષો પહેલા આપ્યું હતું.

વર્ષ ૨૦૨૦ મા જ્યારે સેમસન IPL માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો અને એક મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારે ગૌતમ ગંભીરે કહ્યુ હતુ કે સંજૂ સેમસન ન માત્ર ભારતનો બેસ્ટ વિકેટકીપર-બેટર છે, પરંતુ સૌથી પ્રભાવશાળી યુવા બેટર પણ છે. ગંભીરે કહ્યુ હતુ, સંજુ સેમસન ભારતનો સૌથી સારો યુવા બેટર છે અને જો તે ભારત માટે ન રમી શક્યો તો તે સંજુનું નહીં, પરંતુ ભારતનું નુકસાન હશે. તેણે આશા વ્યક્ત કરી હતી કે સંજુને રોહિત શર્મા અને વિરાટ કોહલીની જેમ સતત તક અને સમર્થન મળવું જોઇએ , કારણ કે તે દુનિયાના શ્રેષ્ઠ બેટરોમાંથી એક બની શકે છે.
બંનેએ મહત્વની મેચમાં રનચેઝ કરતા ૯૭ રન બનાવી પોતાની ટીમને જીત અપાવી
આ નિવેદન તે સમયે ખુબ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે સેમસનને સતત તક મળતી નહોતી અને ઘણીવાર તે ટીમમાંથી બહાર રહેતો હતો. પરંતુ ગંભીરે તેની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો હતો. આજે સ્થિતિ રસપ્રદ છે, ગૌતમ ગંભીર ખુદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ છે અને સેમસને તેજ રીતે પ્રદર્શન કર્યું, જેવું ગંભીરે વર્ષો પહેલા કર્યું હતું.
મેચ બાદ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં સેમસનની પ્રશંસા કરતા કહ્યું કે તે હંમેશા જાણતા હતા કે સંજુ મહત્વના સમયે ચમકશે. તેમણે કહ્યું- તે વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. ટીમને સૌથી વધુ જરૂર હતી તે દિવસે તેણે પોતાની ક્ષમતા દર્શાવી. આશા છે કે આ તેનો કિક ઓફ કરવાનો સમય છે. હજુ બે મેચ બાકી છે. અમને સંજુની ટેલેન્ટ વિશે પહેલાથી જાણકારી હતી.
સંજુ સેમસન ભલે સદીથી માત્ર ત્રણ રન દૂર રહી ગયો હોય, પરંતુ આ ઈનિંગને હંમેશા યાદ રાખવામાં આવશે, જેમ ગૌતમ ગંભીરની ૨૦૧૧ વર્લ્ડ કપ ફાઈનલની ઈનિંગને યાદ કરવામાં આવે છે.ગંભીરે પણ ૨૦૧૧ના વર્લ્ડ કપ ફાઈનલમાં ૯૭ રનની ઈનિંગ રમી હતી. હવે તેના શિષ્ય સંજુ સેમસને પણ તેજ રીતે ૯૭ રન બનાવી ગંભીરનું હ્રદય ગર્વથી ભરી દીધું. બંનેએ મહત્વની મેચમાં રનચેઝ કરતા ૯૭ રન બનાવી પોતાની ટીમને જીત અપાવી હતી.