Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો
ઘણા વર્ષોથી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું મોટું નામ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ દ્વારા સતીશ શાહના નિધન બાદ એક મોટી માંગ કરવામાં આવી છે. એક્ટર સતીશ શાહ તેમની એક્ટિંગને લઈને જાણીતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું મોટું નામ હતું. લોકો તેમની એક્ટિંગના ઘણા વખાણ કરતા હતા. ખાસ કરીને ટીવી શો સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઈન્દ્રવદનનો રોલ કરીને તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

દિવંગત અભિનેતાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે તેવી FWICE દ્વારા માંગ કરવામાં આવી છે. જેમાં PM મોદીને પત્ર લખીને જણાવવામાં આવ્યું કે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને પદ્મશ્રી આપવામાં આવે. આપને જણાવી દઈએ કે FWICE ૩૬ સંઘ જેમાં ભારતીય ફિલ્મ, ટેલિવિઝન અને ડિજિટલ ઈન્ડસ્ટ્રીના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
PM મોદીએ પણ સતીશ શાહને આપી હતી શ્રધ્ધાંજલિ
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્વર્ગીય સતીષ શાહ ઘણા પ્રતિભાશાળી કલાકાર હતા. જેમના કામે આપણા દેશમાં લાખો લોકોનું દિલ જીત્યું છે. સતીશ શાહે યે જો હે જિંદગી, સારાભાઈ વર્સેસ સારાભાઈ, જાને ભી દો યારો, અને મેં હૂં ના જેવી ઐતિહાસિક ફિલ્મ અને ટીવી શોમાં કામ કર્યું છે.
આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના અભિનય સિવાય સતીશ શાહ એક દયાળુ અને કરુણામયી વ્યક્તિ હતા. તેઓ હંમેશા સાથી કલાકારો, ટેકનિશ્યનો અને અન્ય સ્ટાફને પ્રોત્સાહિત કરતા હતા. શ્રમિક સમુદાય દ્વારા તો તેમનું ઘણું સન્માન કરવામાં આવતું હતું. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું કે માત્ર અભિનેતા નહીં પરંતુ એવા વ્યક્તિને સન્માનિત કરવામાં આવે જે ૫ દાયકાથી પણ વધુ સમયથી ભારતના દર્શકોના હસવાનું કારણ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, FWICE દ્વારા વડાપ્રધાનને આ મુદ્દે વિચાર કરવા પર અનુરોધ કરવામાં આવ્યો છે. ગત શનિવારે સતીશ શાહનું નિધન થયું જેને લઈને લોકો હજુ આઘાતમાં છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ સતીશ શાહના નિધનને લઈને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
 
				 
								