Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢના બિલાસપુરમાં બન્યો આ બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના બિલાસપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં દોસ્ત માટે લોનના હપ્તા ન ભરી શકવાના કારણે એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. દીનૂએ આ લોન માટે પોતાનું સોનું ગિરવે મૂક્યું હતું. મૃતક યુવકના ૧૮ ફેબ્રુઆરીએ જ લગ્ન થવાના હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળના કારણો જાણવામાં લાગી ગઈ છે.
આ મામલો કોતવાલી થાના કતિયાપારા વિસ્તારનો છે. ઘટનાની જાણકારી અનુસાર, ૨૯ વર્ષિય વિજય કશ્યપ ઉર્ફ દીનૂ કતિયાપારા વિસ્તારમાં પોતાના ચાર ભાઈ સાથે રહેતો હતો. દીનૂ ભાઈઓમાં સૌથી નાનો હતો. તે ફૂલો વેચવાનું કામ કરતો હતો.
દેવાંગન હોસ્ટેલના સંચાલક પુષ્પેન્દ્ર દેવાંગન દીનૂનો દોસ્ત હતો. પુષ્પેન્દ્રને પૈસાની જરૂર પડી હતી. તેને લઈને પુષ્પેન્દ્રએ દીનૂ સાથે અંગે ચર્ચા કરી. તેને લઈને દીનૂએ દોસ્ત પુષ્પેન્દ્રની મદદ માટે એક એપમાંથી લોન લીધી. લોન કંપની સાથે કરાર કર્યો અને દરરોજ હપ્તા ચૂકવવાના હતા.
આ લોનના બદલામાં દીનૂએ પોતાનું સોનું ગિરવે મૂક્યું હતું. આ દરમિયાન પુષ્પેન્દ્ર લોનના પૈસા લઈને અચાનક ગાયબ થઈ ગયો. પુષ્પેન્દ્રનો બે મહિનાથી ક્યાંય પત્તો નહોતો. જેના કારણે લોનનો બોજ દીનૂના માથે આવી ગયો. તેના કારણે તેનું ટેન્શન વધી ગયું. રોજના હપ્તા ચૂકવવા તેના માટે અઘરું હતું.
આ પ્રેશરમાં અને આગામી મહિને તેના લગ્ન હોવાની જવાબદારીના કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. સોમવારની રાત્રે તેણે ઘરની બહાર આવેલા ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસની પૂછપરછમાં આજુબાજુના લોકોએ જણાવ્યું કે, દીનૂના જે છોકરી સાથે લગ્ન થવાના હતા, તે તેને પહેલાથી પ્રેમ કરતો હતો અને તેઓ પહેલા લિવ ઈનમાં રહેતા હતા. આપને જણાવી દઈએ કે, આ છોકરી સાથે ૧૮ ફેબ્રુઆરીએ દીનૂના લગ્ન થવાના હતા.
કોતવાલી ટીઆઈ વિવેક પાંડેના જણાવ્યા અનુસાર, ઘટના સોમવાર રાત્રે ૧૧ વાગ્યાથી મંગળવાર સવાર ૫ વાગ્યાની વચ્ચેની છે. મૃતક પાસે કોઈ સુસાઈડ નોટ નથી મળી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આત્મહત્યાના કારણો જાણવાની કોશિશ કરી રહી છે.