Last Updated on by Sampurna Samachar
તપાસ પછી સમગ્ર રકમ મૂળ ખાતામાં પાછી આવી જશે , ઠગોએ કહ્યું
મહિલાની પુત્રી અને પુત્ર બહાર હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. નોઈડા સેક્ટર-૪૭ માં રહેનારી સુપ્રીમ કોર્ટની વકીલ રહી ચૂકેલી વૃદ્ધ મહિલાને ૯ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ૩ કરોડ ૨૯ લાખ રૂપિયા ઠગી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ તેમની પાસે દિલ્હી, મહારાષ્ટ્ર અને કોલકાતામાં ખોલવામાં આવેલા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પૈસા ભાડાના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ સાઈબર ક્રિમિનલ્સે મહિલાને ૧૬ જૂન થી ૨૪ જૂન સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રાખી હતી. તેમણે મહિલાના બેંક ખાતાઓ અને તેમાં જમા થયેલી રકમ વિશે માહિતી એકઠી કરી. મહિલાને તેની એફડી તોડીને બધી રકમ તેમના દ્વારા જણાવવામાં આવેલા ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહ્યું.
દિવસ-રાત વીડિયો કોલ દ્વારા મહિલા પર નજર રાખી
આ ઠગોએ વચન આપ્યું હતું કે તપાસ પછી સમગ્ર રકમ મૂળ ખાતામાં પાછી આવી જશે. મહિલાને લાગ્યું કે તે ખરેખર કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે અને પોલીસ અધિકારીઓ તેને કેસમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યા છે. જાળમાં ફસાયા બાદ મહિલાએ પાંચ હપ્તામાં લગભગ ૩ કરોડ ૨૫ લાખ રૂપિયા ઠગો દ્વારા ઉલ્લેખિત ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.
મહિલાએ જણાવ્યું કે, જ્યારે ઠગોએ ફોન કર્યો ત્યારે હું ઘરમાં એકલી હતી. ઠગોએ મને ચેતવણી આપી હતી કે, જો હું ઘરના અન્ય કોઈ સભ્યને આ વિશે જાણ કરીશ તો પરિવારના અન્ય સભ્યો પણ જેલમાં જઈ શકે છે. મહિલાની પુત્રી અને પુત્ર બહાર હતા. આ દરમિયાન બાળકોએ તેમની માતાને ઘણી વાર ફોન કર્યો, પરંતુ તેમને કંઈ ન કહ્યું. ઘણા દિવસો પછી જ્યારે મહિલા વધુ પરેશાન રહેવા લાગી, ત્યારે તેણે આખી ઘટના પોતાના દીકરાને કહી. ત્યારબાદ દીકરાએ કહ્યું કે તમે સાઈબર ઠગીનો શિકાર બની ગયા છો.
ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. મહિલાએ ટ્રાન્જેક્શન સંબંધિત તમામ દસ્તાવેજો પોલીસને સોંપ્યા. મહિલાના ઘરે પડોસીઓનું આવવું-જવું નહોતું. તેથી નવ દિવસ દરમિયાન કોઈ તેમના ઘરે નહોતું આવ્યું. આ ઠગોએ દિવસ-રાત વીડિયો કોલ દ્વારા મહિલા પર નજર રાખી. મહિલાને સમયાંતરે રિપોર્ટ કરવાનું કહ્યું અને તે આમ કરતી રહી.
મહિલાએ કહ્યું કે ‘ હું વ્યવસાયે વકીલ હતી. આરોપીને સજા અપાવવા માટે હું લડતી હતી. પરંતુ એક નાની ભૂલ અને ડરના કારણે મેં પોતાની આખી જિંદગીની બચત ગુમાવી દીધી. શરૂઆતમાં મને વિચાર આવ્યો કે, મારે આ અંગે પરિવારને જણાવી દેવું જોઈએ, પરંતુ સાઈબર ક્રિમિનલ્સે મારા મનમાં એવો ડર ભરી દીધો કે હું કંઈ સમજી જ ન શકી. હું ઠગો જે કંઈ કહેતા હતા તે કરતી રહી. આ દરમિયાન મારી દીકરીએ મને પરેશાન રહેવાનું કારણ પણ પૂછ્યું પરંતુ મેં કંઈ ન કહ્યું.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘દેશની કોઈ પણ તપાસ એજન્સી ડિજિટલ અરેસ્ટ નથી કરતી. જો પોલીસ, CBI , CID વગેરે અધિકારીઓ વીડિયો કોલ પર આવે છે, તો તે બધું નકલી છે. આવો કોલ આવતાં જ કોલરને કહો કે, તમે લોકલ પોલીસ સાથે ઘરે આવીને પૂછપરછ કરો.‘