Last Updated on by Sampurna Samachar
ભાડું બંધ કરી ટેમ્પો લઈ ભાડૂઆત ફરાર
માંજલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના વડસર રોડ પર આવેલી ઓરો હાઈટમાં રહેતા કમલેશ પ્રભુદાસભાઈ પટેલ સ્ટીલનો વ્યવસાય કરે છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ વર્ષ અગાઉ તેમણે રોજિંદા વ્યવસાય માટે એક ટેમ્પો ખરીદ્યો હતો, જેને ભાડે આપીને આવક મેળવવાની યોજના હતી.

ફરિયાદ અનુસાર, એપ્રિલ ૨૦૨૫માં તેમના મોબાઈલ પર મુસ્તાકભાઈ જુમ્માભાઈ શેખનો ફોન આવ્યો હતો. ફોન પર ટેમ્પો ભાડે લેવા બાબતે વાતચીત થઈ હતી. બાદમાં ૫૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લેખિત કરાર કરીને માસિક રૂ. ૧૯,૦૦૦ના ભાડે ટેમ્પો આપવામાં આવ્યો હતો. કરાર સમયે મુસ્તાકભાઈએ રૂ. ૪૦,૦૦૦ ડિપોઝિટ પેટે આપ્યા હતા અને શરૂઆતના બે મહિનામાં કુલ રૂ. ૩૧,૦૦૦ ભાડું ચૂકવ્યું હતું.
પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી
પરંતુ ત્યારબાદ તેમણે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. કમલેશભાઈએ અનેક વખત ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. અંતે જ્યારે તેઓ તેમના સરનામે તપાસ માટે ગયા ત્યારે જાણવા મળ્યું કે મુસ્તાકભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા અને મકાન ખાલી કરીને ક્યાંક ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે કમલેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.