Last Updated on by Sampurna Samachar
લાલચ આપી ૪ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
પોલીસની ઝોન-૬ની ટીમે મહારાષ્ટ્ર બોર્ડર પરથી એક એવા શખ્સની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસની ઝોન-૬ની ટીમે મહારાષ્ટ્ર બોર્ડર પરથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જેણે સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૪ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

પકડાયેલા આરોપીનું નામ અશ્વિન પ્રભાતસિંહ પાડવી છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તે સરકારી વિભાગમાં વગ ધરાવે છે અને તેમને નોકરી અપાવી દેશે. આ બહાને તેણે કટકે-કટકે રૂપિયા ૪ લાખ પડાવી લીધા હતા. એકવાર નાણાં મળી ગયા બાદ, આરોપીએ અલગ-અલગ બહાના બતાવી ફરિયાદી સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો અને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
આરોપીની ધરપકડ કરી સુરત લાવીને વધુ પૂછપરછ
ફરિયાદ મળતા જ સુરત પોલીસની ઝોન-૬ની ટીમ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસ છુપાયેલો છે.
પોલીસની ટીમે મહારાષ્ટ્રમાં સતત ૩ દિવસ સુધી રેકી કરી હતી અને આરોપીના દરેક મૂવમેન્ટ પર નજર રાખી હતી. આખરે ચોક્કસ લોકેશન મળતા જ પોલીસે તેને મહારાષ્ટ્ર બોર્ડર પરથી દબોચી લીધો હતો.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.