Last Updated on by Sampurna Samachar
લાલચભર્યા વાયદા કરીને લોકો પાસેથી નાણાં પડાવ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર થી ચાલુ થયો આ ધંધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં અમેરિકા વિઝા મેળવવા ઇચ્છતા લોકો સાથે છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે તાજેતરમાં મહત્વની ચેતવણી જાહેર કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે વિઝા પ્રક્રિયામાં થતા વિલંબનો લાભ લઈ કેટલાક ઠગો ખોટા મેસેજ, ફોન કોલ અને નકલી એજન્ટ્સ મારફતે લોકોને ફસાવી રહ્યા છે. “ગેરંટી સાથે વિઝા” અથવા “ઝડપી મંજૂરી” જેવા લાલચભર્યા વાયદા કરીને લોકો પાસેથી નાણાં પડાવવામાં આવે છે.

ખાસ કરીને H-1B વિઝા માટે અરજી કરનારાઓ આ પ્રકારની છેતરપિંડીનો વધુ ભોગ બની રહ્યા છે, કારણ કે તેમને લાંબા સમય સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકી દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું કે, “શું તમને ક્યારેય ગેરંટેડ વિઝા કે વિઝાની ઝડપથી મંજૂરી અપાવવાની ઓફર મળી છે? વિઝા સ્કેમ્સ તમે વિચારો તેના કરતાં વધુ સામાન્ય છે અને તે તમારા પૈસા, સમય અને મુસાફરીના પ્લાનને બરબાદ કરી શકે છે.”
અરજદારોને ખોટી અથવા ભ્રામક માહિતીથી દૂર રહેવાની સલાહ
દૂતાવાસે અરજદારોને સાવચેતી રાખવા અને માત્ર અધિકૃત પ્રક્રિયા (ઓફિસિયલ પ્રોસેસ)નો ઉપયોગ કરવા અપીલ કરી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે, અમેરિકી વિઝા મેળવવાનો એકમાત્ર વિશ્વસનીય માર્ગ દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ મારફતે જ છે.
વિઝા અપોઈન્ટમેન્ટ બુક કરવા માટેની સત્તાવાર વેબસાઈટ માત્ર www.ustraveldocs.com છે. જો કોઈ વ્યક્તિ કે એજન્ટ આ પ્રક્રિયા બહાર વિઝા અપાવવાનો વાયદો આપે તો તે ચોક્કસપણે છેતરપિંડી (સ્કેમ) છે. દૂતાવાસે વિઝા એજન્ટ્સ અને ટ્રાવેલ એજન્સીને લઈને પણ ચેતવણી આપી છે. કોઈ પણ એજન્ટ અમેરિકી વિઝાની ગેરંટી આપી શકતો નથી. ઘણા એજન્ટ્સ ખોટા વાયદા આપીને મોટી રકમ વસૂલે છે અને ખોટી માહિતી આપે છે. વિઝા અરજી માટે માત્ર અધિકૃત ફી જ ચૂકવવી જોઈએ, તેના સિવાય કોઈ વધારાની ચુકવણી જરૂરી નથી.
અરજદારોને ખોટી અથવા ભ્રામક માહિતીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકી દૂતાવાસે કહ્યું કે, સાચી અને અપડેટ માહિતી માટે માત્ર અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ travel.state.gov અથવા યુએસ એમ્બેસી ઈન્ડિયાની વિઝા વેબસાઈટ in.usembassy.gov/visasપર જ વિશ્વાસ રાખવા વિઝા જોઈએ. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ભારતીય અરજદારો વિઝા માટે ભારે વિલંબનો સામનો કરી રહ્યા છે. ૧૫ ડિસેમ્બર પછીની અનેક ઈન્ટરવ્યુની તારીખો રદ્દ થઈ છે અથવા આગળ ધપાવાઈ છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝાની લોટરી સિસ્ટમને બદલીને નવી “વેઈટેડ સિસ્ટમ” અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમમાં વધુ કુશળ અને ઊંચા પગારવાળા ઉમેદવારોને પ્રાથમિકતા મળે છે. પરિણામે, એન્ટ્રી લેવલના કર્મચારીઓ – જેમાં મોટા પ્રમાણમાં ભારતીયોનો સમાવેશ થાય છે – માટે વિઝા મેળવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. આ વિલંબને કારણે ઠગોને તક મળી રહી છે, તેથી અરજદારોએ હંમેશા સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખવો જાેઈએ અને કોઈપણ શંકાસ્પદ ઓફરથી દૂર રહેવું જોઈએ.