Last Updated on by Sampurna Samachar
ભૂપેન્દ્ર ઝાલાના નામે ચાલી રહી છે ૧૮થી વધુ કોલેજો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. એક ના ડબલ કરવાની લાલચ આપી ૬ હજારથી વધુ કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ફરાર થઈ ગયો છે. પરંતુ આ કેસમાં દરરોજ ચોંકાનારી વિગતો સામે આવી રહી છે. આ વચ્ચે મહાકૌભાંડીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી છે. બીજીતરફ સામે આવ્યું કે ભૂપેન્દ્રના નામે ૧૮થી વધુ કોલેજો ચાલી રહી છે.
BZ ગ્રુપનો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જી હાં ધરપકડથી બચવા માટે ભાગેડું ભૂપેન્દ્રએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ભૂપેન્દ્રની આગોતરા જામીન અરજી પર ૬ ડિસેમ્બરે સુનાવણી થશે. ભૂપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે તે પ્રકારે કોર્ટમાં દાદ માંગી છે. પોલીસે માત્રને માત્ર બદઈરાદો રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાએ આરોપ લગાવ્યો છે. બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડાવવા માટે ફરિયાદ નોંધાઈ હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલાએ આક્ષેપ કર્યો છે.
સૌથી મોટી વાત એ છે કે મહાકૌભાંડી ભૂપેન્દ્રના નામે ૧૮થી વધુ કોલેજાે ચાલી રહી છે અને કોલેજ સિવાય પણ ભૂપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. લોકો સાથે કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. આ પહેલા ખુલાસો થયો હતો કે ઝાલા સોનાનું મોબાઈલ કવર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
મ્ડ મામલે કોંગ્રેસ મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપને ફંડ આપનાર મ્ઢ કંપનીનાં ભુપેન્દ્રસિંહ ઝાલા ૬૦૦૦ કરોડનો કૌભાંડી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ વડાલીમાં ભાજપને ફંડ આપ્યું છે. ૨૧/૩/૨૦૨૩ ના રોજ ચેકથી સત્તાવાર પાર્ટી ફંડ આપ્યું છે. તેના બાદ બે વાર ૯૯૯૯૯, ૫૧૦૦૦, અને ૧ રૂપિયાનું ફંડ ચેકથી આપવામાં આવ્યું છે. છતાં ભાજપના નેતાઓ તેની સાથે કોઈ સંબંધ ન હોવાનું કહે છે.
આ સિવાય અન્ય એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હતું. જેમાં ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે. કારણ કે, સોનુ સૂદ ભુપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.