૭૨ વર્ષના ડોમિનિક પેલિકોટને ૨૦ વર્ષની સજા ફટકારી
જઘન્ય ખેલમાં અન્ય ૫૦થી વધુ પુરુષો હતા સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સની કોર્ટે ૭૨ વર્ષના ડોમિનિક પેલિકોટને ૨૦ વર્ષની સજા ફટકારી છે. તે તેની પૂર્વ પત્ની ગિસેલે પેલિકોટને નશીલો પદાર્થ આપવાનો અને અજાણ્યાઓ દ્વારા રેપ કરાવવાના ગુનામાં દોષિત ઠર્યો. આ જઘન્ય ખેલ ૧૦ વર્ષ સુધી ચાલ્યો. જેમાં ૫૦થી વધુ પુરુષો પણ સામેલ હતા. જે વિવિધ આરોપોમાં દોષિત ઠર્યા છે.
ગિસેલે અને તેના ત્રણ બાળકોની હાજરીમાં આ ચુકાદો સંભળાવવામાં આવ્યો. કોર્ટમાં ડોમિનિકની પુત્રી કેરોલિન ડેરિયને ગુસ્સામાં તેના પિતાને ‘કૂતરાની જેમ મરવા’ની વાત કરીને પોતાનો આક્રોષ પ્રગટ કર્યો. ડોમિનિટે પોતાના અંતિમ નિવેદનમાં કહ્યું કે હું મારી પુત્રીની આંખોમાં જોવા માંગુ છું અને તેને જણાવવા માંગુ છુ કે મે કશું કર્યું નથી. ભલે તે મને અત્યારે પ્રેમ ન કરે, હું હંમેશા તેને પ્રેમ કરતો રહીશ. મને ખબર છે કે મે શું કર્યું અને શું નથી કર્યું.
ગિસેલેએ કોર્ટની બહાર પોતાના ત્રણેય બાળકો અને પૌત્ર- પૌત્રીઓના ભવિષ્ય તરફ ઈશારો કરતા કહ્યું કે આ લડાઈ મે મારા પરિવાર અને આ ત્રાસદીથી પ્રભાવિત લોકો માટે લડી. આ એક અઘરી પરીક્ષા હતી પરંતુ હવે આપણે આગળ વધવાનું છે. ડોમિનિક પેલિકોટની સાથે ૫૦ અન્ય આરોપીઓ ઉપર પણ કેસ ચાલ્યો. બધાને વિવિધ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને જેલની સજા થઈ.
ડોમિનિક પેલિકોટ સંલગ્ન કેસ ફ્રાન્સની ન્યાય પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જ્યાં પીડિતને ન્યાય અપાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. આ ઘટના ન્યાય, પરિવાર અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે અને અપરાધીઓ માટે એક ચેતવણી સમાન છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ફ્રાન્સના લોકોએ રાહતના શ્વાસ લીધા. આ કેસ અંગે ઘણા દિવસ સુધી વિરોધ પ્રદર્શન પણ ચાલ્યા હતા.