Last Updated on by Sampurna Samachar
આગામી AI એક્શન સમિટ ભારતમાં યોજવાના પણ પ્રસ્તાવને સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજ સહિતની તમામ વસ્તુઓમાં પરિવર્તન લાવી રહી હોવાનું જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને વધુ વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વાગ્રહોથી મુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો.
આ ઉપરાંત વડાપ્રધાને આગામી AI એક્શન સમિટ ભારતમાં યોજવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે અહીં યોજાઈ રહેલી AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરી રહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, AI આ સદીમાં માનવતા માટે કોડ લખી રહી છે.
AI માટે એક વૈશ્વિક માળખું રચવા માટે સામુહિક પ્રયાસો કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મુક્યો હતો. આપણે ટેકનોલોજીને મુક્ત કરી લોકોને ઉપયોગી હોય તેવી એપ્લિકેશન્સનું નિર્માણ કરવું જોઈએ. આપણે સાયબર સિક્યુરિટી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ડીપ ફેક જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ.
પૂર્વાગ્રહથી મુક્ત ગુણવત્તાયુક્ત ડેટાસેટ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મુકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ટેન્કોલોજી અસરકારક અને ઉપયોગી નિવડે તે માટે સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ હોવી જોઈએ. આપણાં સામુહિક મૂલ્યોને જાળવી રાખવા, જોખમોનો ઉકેલ લાવવા તથા વિશ્વાસ સ્થાપિત કરવા માટે એઆઈના સંચાલન અને માપદંડ નિર્ધારિત કરવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, સંચાલનનો અર્થ માત્ર જોખમોના સમાધાન કે હરીફાઈ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેમાં સંશોધનને પ્રોત્સાહન આપી વૈશ્વિક સુખાકારી માટે તેનો અમલ કરવાનો છે.
અમેરિકા અને યુનાઈટેડ કિંગડમે પેરિસમાં યોજાઈ રહેલી વૈશ્વિક AI એક્શન સમિટના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો હતો. ભારત, ફ્રાન્સ ઉપરાંત ચીન સહિતના દેશોએ આ ટેન્કોલોજીના વિકાસ માટે મુક્ત, સમાવેશક અને નીતિગત અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા દાખવતા આ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.
યુકેએ હસ્તાક્ષર નહીં કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે, તે આ એગ્રીમેન્ટના કેટલાંક ભાગ સાથે સહમત નથી. આ અગાઉ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે, વધુ પડતાં નિયમોને કારણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉભરી રહેલો ઉદ્યોગ શરૂ થવાની સાથે જ નષ્ટ થઈ જશે.