Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત
ગામના પાંચ મિત્રો સ્કોર્પિયોમાં હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે ટ્રેલર-સ્કૉર્પિયોની આમને-સામને ટક્કર થઈ હતી અને અચાનક જ ગાડી સળગી ઉઠી. આ દુર્ઘટનામાં ચાર લોકો જીવતા સળગી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ગુડામાલાણીના ડાભડ ગામના પાંચ મિત્રો સ્કોર્પિયોમાં સવાર થઈને સિણધરીથી રાત્રે જમ્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની ટક્કર એક ટ્રેલર સાથે થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પિયોમાં તુરંત આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારના દરવાજા જામ થઈ ગયા અને ચાર યુવકો અંદર ફસાયા હતા.
ચારેય મૃતદેહોની ઓળખ થવી મુશ્કેલ
દરવાજા ન ખુલવાના કારણે તેઓ કારની અંદર જ જીવતા સળગી ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જાેકે, ટ્રેલર ચાલકે પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કોર્પિયોના ચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેને બચાવવામાં સફળ રહ્યો હતો. હાલ, ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર સુશીલ કુમાર યાદવ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ચારેય મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે..