Last Updated on by Sampurna Samachar
બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં બે ભયાનક અકસ્માત
મૃતકોના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વાત કરીએ તો રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. બનાસકાંઠાના વડગામમાં રીક્ષા અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કાર પલટી જતાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વડગામથી લીંબોઈ જતી પેસેન્જર રીક્ષાને પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ જોરદાર ટક્કર મારી હતી.
સમગ્ર લીંબોઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર લીંબોઈ ગામની બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતા જ વડગામ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર લીંબોઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને લીધે સ્થાનિકો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર સામે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.