Last Updated on by Sampurna Samachar
હાઇવે પર અધુરૂ કામ એ અકસ્માતનુ કારણ હોવાની ચર્ચા
સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ઈડર-ભિલોડા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેવાસ નજીક વહેલી સવારે રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે.
પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી
સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થા જ આ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે. આ ગંભીર ઘટનાએ નેશનલ હાઇવે પર ચાલતા કામની ગુણવત્તા અને ઝડપ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ હવે અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.