Last Updated on by Sampurna Samachar
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસનો કહેર
પોલીસ અકસ્માતની તપાસમાં જોતરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ધુમ્મસ વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી ઉભી કરી હતી. જ્યાં ધુમ્મસના કારણે ફરીદાબાદ અને નુંહ જિલ્લામાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ધુમ્મસ એટલો બધો ગાઢ હતો કે એકબીજા સાથે વાહનોની ભીષણ ટક્કર થઈ હતી. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસ અકસ્માતની તપાસમાં જોતરાઈ છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસનો કહેર જોવા મળ્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને આગળનો રસ્તો દેખાઈ રહ્યો ન હતો, જેથી એક બાદ એક વાહનોની ટક્કર થતી ગઈ. ફરીદાબાદના કૈલ ગામ નજીક બે અલગ અલગ અકસ્માતની ઘટના ઘટી, જેમાં પહેલા અકસ્માતમાં એક કાર રસ્તાના કિનારે ઉભેલા વાહન સાથે અથડાઇ હતી.
ગાઢ ધુમ્મસના કારણે ૩૦ વાહનો અથડાયા
ટક્કર એટલી ભયાવહ હતી કે કારમાં સવાર ત્રણ લોકો માંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અને બચેલો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક મૃતકની ઓળખ જયપુરના સંદીપ કુમાર તો બીજાની ઓળખ માટે પ્રત્યનો હાલ ચાલુ છે. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.
તો આ જગ્યાએ અન્ય એક અકસ્માત થયો હતો જેમાં ટ્રક પાછળ એક કાર ટકરાઇ હતી. જોકે રાહતની વાત એ હતી કે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પણ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે રસ્તા પરથી અકસ્માત થયેલા વાહનો દૂર કરી હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવ પર આવેલા નુંહ ખાતે પણ ગાઢ ધુમ્મસના કારણે ૩૦ વાહનો અથડાયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને જિલ્લાની સરકારી હોસ્પિટલ માંડીખેડામાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.