Last Updated on by Sampurna Samachar
૨૪ ટેસ્ટ અને ૧૨ ODI માં કેરેબિયનનું પ્રતિનિધિત્વ કર્યું
જુલિયનનું દરેક જગ્યાએ સન્માન કરવામાં આવતું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર બર્નાર્ડ જુલિયનનું ૭૫ વર્ષની વયે ત્રિનિદાદના ઉત્તરીય શહેર વાલસેનમાં અવસાન થયું છે. જુલિયન ૧૯૭૫માં પ્રથમ વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ૨૪ ટેસ્ટ અને ૧૨ ODI માં કેરેબિયનનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૮ વિકેટ લીધી અને ૯૫૨ રન બનાવ્યા હતા.
જુલિયને ૧૯૭૫ના પ્રથમ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે શ્રીલંકા સામે ૨૦ રન આપીને ચાર વિકેટ લીધી, ત્યારબાદ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ઘાતક બોલિંગ કરચા ૨૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેમણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ૩૭ બોલમાં ૨૬ રનની ઉપયોગી ઇનિંગ રમી. આ ટુર્નામેન્ટે તેમને એક ખતરનાક ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યા, તેઓ સીમ બોલિંગ, આક્રમક બેટિંગ અને ચપળ ફિલ્ડિંગ માટે જાણીતા છે.
ચાહકો માટે ઓટોગ્રાફ પર સહી કરવામાં લાંબો સમય વિતાવ્યો
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ કેપ્ટન ક્લાઈવ લોયડે તેમને યાદ કરતા કહ્યું, “તેમણે હંમેશા પોતાનું ૧૦૦ ટકા આપ્યું. તેઓ બેટ અને બોલ બંનેથી વિશ્વસનીય હતા. તેમણે દરેક મેચમાં પોતાનું સર્વસ્વ આપ્યું. તેઓ એક શાનદાર ક્રિકેટર હતા.” જુલિયનની ટેસ્ટ કારકિર્દી પણ યાદગાર રહી.
૧૯૭૩માં તેમણે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ૧૨૧ રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે બીજા વર્ષે તેમણે તે જ ટીમ સામે પાંચ વિકેટ લીધી. લોયડે આગળ કહ્યું, “અમે બધા તેમનો ખૂબ આદર કરતા હતા. તેઓ રમુજી અને મૈત્રીપૂર્ણ હતા. લોર્ડ્સમાં જીત પછી અમે ચાહકો માટે ઓટોગ્રાફ પર સહી કરવામાં લાંબો સમય વિતાવ્યો. જુલિયનનું દરેક જગ્યાએ સન્માન કરવામાં આવતું હતું.”
તેઓ ૧૯૭૦થી ૧૯૭૭ દરમિયાન ઈંગ્લિશ કાઉન્ટી ટીમ કેન્ટ માટે પણ રમ્યા. જોકે, ૧૯૮૨-૮૩માં જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો. તે સમયે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ ચરમસીમાએ હતો. તેઓ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતા.
એક નિવેદનમાં ક્રિકેટ બોર્ડ ઓફ ધ વેસ્ટ ઈન્ડિઝના પ્રમુખ ડૉ. કિશોર શેલોએ જણાવ્યું હતું કે, “બર્નાર્ડ જુલિયનનું સન્માન કરતી વખતે, આપણે તે સમયની ઘટનાઓને સમજણથી જોવી જોઈએ, બહિષ્કારથી નહીં. અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ હંમેશા તેમના યોગદાનને યાદ રાખશે. તેમણે જે વારસો છોડ્યો છે તે હંમેશા જીવંત રહેશે.”