Last Updated on by Sampurna Samachar
હજુ સુધી તો ડો.શ્રીવાસ્તવે કોઈ ભાડું આપ્યું નથી
એક મહિના માટેનું ભાડું ૧૨૦૦ રુપિયા ગણવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે અઢી મહિના બાદ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. જોકે બંગલામાં રહેવા માટે તેમણે કુલ મળીને ૬૪, ૨૦૦ રુપિયા ભાડું ચૂકવવું પડશે.
સૂત્રોનું કહેવું છે કે, હજી સુધી તો ડો.શ્રીવાસ્તવે કોઈ ભાડું આપ્યું નથી. ડો.શ્રીવાસ્તવે તા.૮ જાન્યુઆરીએ રાજીનામું આપ્યા બાદ તેમને બંગલામાં રહેવા માટે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. આ એક મહિના માટેનું ભાડું ૧૨૦૦ રુપિયા ગણવામાં આવ્યું છે. સાથે જ બાદમાં બજાર ભાવે ભાડું વસુલવાની ગણતરી કરાઈ હતી.
ડો. શ્રી વાસ્તવને હજુ પગાર લેવાનો બાકી
પરંતુ એ પછીના સમય માટે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પરિપત્રને ધ્યાનમાં રાખીને બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી કરવામાં આવી છે. જે અનુસાર ફેબ્રુઆરી મહિના માટે તેમણે ૪૨૦૦૦ રુપિયા અને માર્ચ મહિનાના પંદર દિવસ માટે ૨૧, ૦૦૦ રુપિયા ભાડું ચુકવવાનું થાય છે. આમ કુલ મળીને તેમને ૬૪, ૨૦૦ રુપિયા ભાડું આપવું પડશે.
સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવને હજુ ૮૫૦૦૦ રુપિયા જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. જો સત્તાધીશો ધારે તો બંગલાનું ભાડું તેમાંથી પણ વસુલવાની કાર્યવાહી કરી શકાય તેમ છે.