Last Updated on by Sampurna Samachar
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૯ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે
રેડ્ડી ૨૧ ઓગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના NDA ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃ઼ષ્ણનની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. I.N.D.I.A ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૯ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં અનેક ચર્ચા-વિચારણાના અંતે બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, વિપક્ષમાં આ પદ માટે ઉમેદવારની પસંદગી દરમિયાન અનેક મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે. વિપક્ષના તમામ દળ આ મામલે સહમત થયા છે. રેડ્ડી ૨૧ ઓગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે.
હૈદરાબાદના વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી
NDA એ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું હતું કે, સી.પી. રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌએ સહમતિ આપી હતી.
B.A , LLB ની ડિગ્રી ધરાવતા બી. સુદર્શન રેડ્ડીનો જન્મ ૮ જુલાઈ, ૧૯૪૬ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. કૃષિ પરિવારમાં જન્મેલા બી. સુદર્શન રેડ્ડીએ ૨૭ ડિસેમ્બર, ૧૯૭૧માં આંધ્રપ્રદેશના બાર કાઉન્સિલ સાથે હૈદરાબાદમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨ મે, ૧૯૯૫માં આંધ્રપ્રદેશમાં તેમની કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી.
૨૦૦૫માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં ૧૨ જાન્યુઆરી, ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. ૮ જુલાઈ, ૨૦૧૧ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા.