Last Updated on by Sampurna Samachar
અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા
ડેપ્યુટી કલેક્ટર એમ.જે.ભરવાડને દિલ્હી હાજર થવા આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરમાં ED ની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન એક શંકાસ્પદ શીટ મળી આવી છે, જેમાં બિનખેતી કરાયેલા સર્વે નંબરો અને જમીન દલાલોના નામ કોડવર્ડમાં લખાયેલા છે. આ શીટના આધારે પૂર્વ કલેક્ટર કે.સી.સંપટની મુશ્કેલીઓ વધી શકે તેમ છે, કારણ કે આમાંના મોટાભાગના વિવાદિત સર્વે નંબરો તેમના કાર્યકાળ દરમિયાન બિનખેતી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ભ્રષ્ટાચારની આ તપાસ હવે માત્ર સ્થાનિક કક્ષાએ સીમિત રહી નથી. ED દ્વારા આ મામલે કડક વલણ અપનાવીને વઢવાણના ડેપ્યુટી કલેક્ટર એમ.જે.ભરવાડને તમામ અસલ ફાઈલો સાથે દિલ્હી હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજપર વીડની સર્વે નંબર ૭૦ અને ૭૧ વાળી કરોડોની કિંમતની વિવાદિત જમીનોની ફાઈલો પર ED નું મુખ્ય ધ્યાન છે.
મોટાપાયે અટકાયત અને પૂછપરછનો દોર શરૂ થશે
અગાઉ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ કાર્યવાહી બાદ હવે વધુ એક પૂર્વ કલેક્ટર સામે તપાસનો ગાળિયો કસાતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. ACB માં નોંધાયેલી ફરિયાદ બાદ પુરાવા તરીકે જૂની ફાઈલો ફરીથી તપાસવામાં આવતા અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા છે.
જમીન દલાલો અને મહેસૂલી સ્ટાફ વચ્ચેના આર્થિક વ્યવહારોના પુરાવાઓ મળતા હવે આગામી દિવસોમાં મોટાપાયે અટકાયત અને પૂછપરછનો દોર શરૂ થઈ શકે છે. આ કૌભાંડમાં કયા કયા રાજકીય આશીર્વાદ હતા અને કેટલા કરોડના વહીવટ થયા છે, તે અંગેની વિગતો દિલ્હી ખાતેની પૂછપરછમાં સ્પષ્ટ થશે.