Last Updated on by Sampurna Samachar
બૂમરાહને છોડીને અન્ય ખેલાડીઓ પર થયા ગુસ્સે રવિ શાસ્ત્રી
ઈંગ્લેન્ડના બેટરોને પડકાર ફેંકી શક્યા નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. બીજી તરફ તેમણે અન્ય બોલરો તરફથી સહયોગ ન મળવા પર ચિંતા વ્યક્ત કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે બુમરાહએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત અન્ય બોલરો ખાલી હાથ રહ્યા અને ઈંગ્લેન્ડના બેટરોને પડકાર ફેંકી શક્યા નહીં.
લીડ્સ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી રવિ શાસ્ત્રીએ ભારતીય બોલરોના પ્રદર્શન વિશે વિગતવાર વાત કરી. તેમણે કહ્યું કે, એક તરફ બુમરાહ શાનદાર બોલિંગ કરે છે, જ્યારે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા અન્ય ઝડપી બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.
એકલો બુમરાહ કેટલું કરે?
બુમરાહે પહેલા જેક ક્રોલીને આઉટ કર્યો અને પછી બેન ડેકટને આઉટ કરીને ઓલી પોપ સાથેની તેની ભાગીદારી તોડી નાખી. ત્યારબાદ તેણે દિવસની રમત સમાપ્ત થાય તે પહેલાં જો રૂટની વિકેટ લઈને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. જસપ્રીત બુમરાહ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું, લેવલમાં ઘણો તફાવત છે.
ચિંતા બુમરાહ વિશે છે અને સીરિઝ આગળ વધતાં તેના વર્કલોડની છે, કારણ કે તે એક એવો ખેલાડી છે જેની પાસેથી દરેક સ્પેલમાં વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને આશા છે કે કોઈ તેને બીજા છેડેથી પણ સહયોગ આપશે. બુમરાહે ૧૩ ઓવરમાં ૪૮ રન આપીને ત્રણ વિકેટ લીધી. તેના સિવાય બાકીના ત્રણ ઝડપી બોલરોને કોઈ વિકેટ મળી ન હતી. ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, એકલો બુમરાહ કેટલું કરે? ભારત ફક્ત એવી આશા રાખશે કે કોઈ અન્ય ઝડપી બોલર તેનું સ્તર ઊંચું કરે અને ટીમ માટે સારું પ્રદર્શન કરે.