Last Updated on by Sampurna Samachar
કાશ્મીરી પંડિતોનો મુદ્દો તમામ પક્ષો માટે ખૂબ મોટો
મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર મોકલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા મહેબૂબા મુફ્તી પાંચ વર્ષમાં પહેલી વાર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મુલાકાત કરી છે. આ ખાસ મુલાકાત બાદ તેમણે કહ્યું કે મેં કાશ્મીરી પંડિતોની વાપસીની માંગણી કરી છે. તેમણે કહ્યું અમારું માનવું છે કે કોઈપણ રાજકીય પ્રક્રિયા સફળ થઈ શકતી નથી, જ્યાં સુધી કાશ્મીરી પંડિતોની ભાગીદારી ન હોય.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમણે ઉપરાજ્યપાલને એક પત્ર આપ્યો, જે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ૭૪ હજારથી વધુ વિસ્થાપિત પરિવારોમાંથી ઘણા પાછા ફરવા માંગે છે અને તેમને આમાં મદદ કરવી જોઈએ. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનો મુદ્દો તમામ પક્ષો માટે ખૂબ મોટો રહ્યો છે.
કાશ્મીરી પંડિતોને પરત લાવવા મદદ કરવી જોઇએ
મહેબૂબા મુફ્તીએ ૨૦૧૯ માં કલમ ૩૭૦ હટાવ્યા પછી પહેલી વાર LG ને મળ્યા ત્યારે કહ્યું, ” બધા પરત ફરતા કાશ્મીરી પંડિતોને તેમના ગૃહ જિલ્લામાં અડધી કનાલ જમીન આપવી જોઈએ. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કાશ્મીરી પંડિતોને આપવામાં આવેલી બે નામાંકિત બેઠકોના બદલામાં, તેમની બેઠક અનામત રાખવામાં આવે. કાશ્મીરી પંડિતોને સન્માન અને શાંતિથી પાછા ફરવામાં મદદ કરવી જોઈએ. અમરનાથ યાત્રામાં સામાન્ય લોકો સાથે પણ કામ કરવું જોઈએ.”
તેમણે કહ્યું, “ઓમર અબ્દુલ્લા (જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી) સરકારી વિધાનસભામાં કલમ ૩૭૦ પર પ્રસ્તાવ મૂકવાને બદલે ટ્યૂલિપ ગાર્ડનમાં ફરી રહ્યા હતા. અમે બધાને પત્રો લખ્યા અને જો ઓમર સરકાર તેને હળવાશથી લઈ રહી છે તો અમે શું કરી શકીએ છીએ. કાશ્મીરી પંડિતોની વાપસી અમારો રાજકીય એજન્ડા હશે અને સરકાર સાથે, અમે તેમના વાપસી માટે પણ કામ કરીશું.”
મહેબૂબા મુફ્તીએ કહ્યું, “અમારો એજન્ડા લાવતા પહેલા, અમે કાશ્મીરી પંડિતો સાથે વાત કરી હતી અને તેમાં તેમના સૂચનો પણ સામેલ કર્યા છે. અમે કાશ્મીરી પંડિતોને કાશ્મીરી સમાજમાં પાછા સામેલ થતા જોવા માંગીએ છીએ.”