Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢ લીકર કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી
કૌભાંડ દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયાની અપરાધની આવક એકઠી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે છત્તીસગઢના કથિત લિકર કૌભાંડની ચાલી રહેલી તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ જોગવાઈઓ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ૬૧.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

ED એ આ મામલે ૫૯.૯૬ કરોડ રૂપિયાની કિંમતના ૩૬૪ રહેણાંક પ્લોટ અને કૃષિ જમીન તેમજ ૧.૨૪ કરોડ રૂપિયા બેંક બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી છે. ED એ કહ્યું કે, આ પગલું છત્તીસગઢમાં કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસોની તપાસ દરમિયાન લેવામાં આવ્યું છે. એજન્સીનું માનવું છે કે, આ કૌભાંડ દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયાની અપરાધની આવક એકઠી કરવામાં આવી હતી.
ચૈતન્યની આ વર્ષે ૧૮ જુલાઈએ ધરપકડ થઇ
ED ની તપાસમાં બહાર આવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર હોવાના કારણે ચૈતન્ય બઘેલ લિકર સિન્ડિકેટના ટોચના સ્થાને હતો. ચૈતન્યને લિકર સિન્ડિકેટના નિયંત્રક અને અંતિમ અધિકારી બનાવાયો હતો. ED એ દાવો કર્યો છે કે, ચૈતન્ય સિન્ડિકેટ દ્વારા એકઠા કરાયેલા તમામ ગેરકાયદે નાણાંનો હિસાબ રાખતો હતો.
ED ને એ પણ જાણવા મળ્યું છે કે, ચૈતન્યએ આ બ્લેક મનીને વ્હાઈટ મની બતાવવા માટે રિયલ એસ્ટેટથી થયેલી આવક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કૌભાંડની રકમનો ઉપયોગ પોતાની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વિકાસ માટે કર્યો હતો. ED એ ચૈતન્યની આ વર્ષે ૧૮ જુલાઈએ ધરપકડ કરી હતી અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.