Last Updated on by Sampurna Samachar
જાણીતી ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇંક સાથે જોડાયા સુનક
વર્ષ ૨૦૧૫ માં ઋષિ સુનકે રાજકારણમાં એન્ટ્રી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક હવે નવી નોકરી કરવા જઇ રહ્યા છે. તેઓ જાણીતી ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇંક સાથે જોડાયા છે. કંપનીમાં તેમને સીનિયર એડવાઇઝરનું પદ મળ્યું છે. તેની જાણકારી ગોલ્ડમેન સૅક્સના CEO ડેવિડ સોલોમન તરફથી આપવામાં આવી છે. CEO એ આ જાણકારી પોતાના એક નિવેદનમાં આપી છે.
ડેવિડ સોલોમન પ્રમાણે સુનક હવે કંપનીના સીનિયર મેનેજમેન્ટ સાથે જોડાઈ વૈશ્વિક સ્તર પર ગ્રાહકોને સલાહ આપશે. તેઓ ખાસ કરી ભૂ-રાજનીતિક અને આર્થિક વિષયો પર પોતાનો દ્રષ્ટિકોણ અને અનુભવ શેર કરશે.
આ કંપની સાથે ઋષિ સુનકનો લાંબો સબંધ
મહત્વનું છે કે સુનલ ઓક્ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૪ સુધી બ્રિટનના પ્રધાનમંત્રી રહ્યા હતા. તેમણે વર્ષ ૨૦૧૫મા સંસદના સભ્ય તરીકે બ્રિટનની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રધાનમંત્રી બનતા પહેલા તેઓ ફેબ્રુઆરી ૨૦૨૦ થી જુલાઈ ૨૦૨૨ સુધી બ્રિટનના નાણામંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે સ્થાનીક સરકાર અને નાણા મંત્રાલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
તમને જણાવી દઈએ કે ઋષિ સુનક રાજકારણમાં પ્રવેશતા પહેલા ન્યૂયોર્કમાં ગોલ્ડમેન સૅક્સમાં કામ કરતા હતા. કંપની સાથે તેમનો લાંબો સંબંધ છે. ૨૦૦૦ ની શરૂઆતમાં, તેમણે આ કંપનીમાં સમર ટ્રેઇની તરીકે કામ કર્યું, ત્યારબાદ તેમણે ૨૦૦૧-૨૦૦૪ દરમિયાન ત્યાં વિશ્લેષક તરીકે કામ કર્યું. આ પછી, ૨૦૧૫ માં રાજકારણમાં પ્રવેશતા પહેલા, સુનકે એક આંતરરાષ્ટ્રીય રોકાણ પેઢીની સહ-સ્થાપના કરી, જે વિશ્વભરની કંપનીઓ સાથે નાણાકીય રોકાણો પર કામ કરતી હતી.
બ્રિટનમાં પાછલા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં સુનકની કંઝર્વેટિવ પાર્ટીએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ નોર્થ ઈંગ્લેન્ડના રિચમંડ અને નોર્થએલર્ટન ક્ષેત્રથી સાંસદ બનેલા છે.
સુનકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે તેઓ મતદાનના પરિણામની ચિંતા કર્યા વગર આગામી સંસદના સમયગાળા સુધી ક્ષેત્રના સાંસદ રહેશે. તો તેમના ઉત્તરાધિકારી અને બ્રિટનના વર્તમાન પ્રધાનમંત્રી કીર સ્ટારમર વર્ષ ૨૦૨૯ના મધ્ય સુધી દેશમાં આગામી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.