Last Updated on by Sampurna Samachar
અત્યારસુધી હસીના પર લાગેલા છે ૧૦૦થી વધારે કેસ
કોર્ટની અવમાનનાના કેસમાં સજા સંભળાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગીને આવેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મોટો ઝટકો લાગ્યો છે. શેખ હસીના (SHEKH HASINA) ને એક કેસમાં છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે. હસીના પર બાંગ્લાદેશમાં હાલમાં ૧૦૦થી વધારે કેસ ચાલી રહ્યા છે. આ અત્યાર સુધીનો પહેલો એવો કેસ છે, જેમાં તેમને સજા સંભળાવવામાં આવી છે. હસીના પર કોર્ટની અવમાનનાના કેસમાં આ સજા સંભળાવવામાં આવી છે.
બાંગ્લાદેશના રિપોર્ટ મુજબ ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તજા મજૂમદારની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણની ત્રણ સભ્યોની પીઠે આ ર્નિણય લીધો છે. આ ર્નિણયમાં ન્યાયાધિકરણે ગૈબાંધામાં ગોબિંદગંજના શકીલ અકંદ બુલબુલને બે મહિનાની જેલની સજા સંભળાવી છે. પ્રધાનમંત્રી પદેથી હટવા અને ૧૧ મહિના પહેલા દેશ છોડ્યા બાદ પહેલી વાર અવામી લીગના નેતાને કોઈ કેસમાં સજા થઈ છે.
ભ્રષ્ટાચાર થી લઈ હત્યાઓના ગંભીર આરોપ
આ દરમ્યાન એ પણ જણાવી દઈએ કે, બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની પાર્ટી વિરુદ્ધ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યૂનુસ પહેલા જ મોટી કાર્યવાહી કરી ચુક્યા છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને બાંગ્લાદેશમાં પ્રતિબંધ કરી દીધો છે. યૂનુસે આ કાર્યવાહી આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત કરી હતી.
બાંગ્લાદેશમાં શેખ હસીના પર કેટલાય કેસ ચાલી રહ્યા છે. હસીના પર ભ્રષ્ટાચારથી લઈને હત્યાઓના ગંભીર આરોપ છે. બાંગ્લાદેશની યૂનુસ સરકાર ઘણી વાર ભારતને શેખ હસીનાને પાછા મોકલવાનો અનુરોધ કરી ચુકી છે. ભારત સરકારે અનુરોધનો કોઈ જવાબ આપ્યો નથી.