Last Updated on by Sampurna Samachar
નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો
આગામી સમયમાં ખોડલધામ કરશે હોસ્પિટલનુ નિર્માણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે લેઉવા પટેલોનું અનોખું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતુ. ત્યારે આ ક્ષણે સૌરાષ્ટ્રના રાજકારણની મોટી તસવીર જોવા મળી. વિવાદો ભૂલીને બે પાટીદારો એક જોવા મળ્યા હતા.

કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં.
ખોડલધામ ખાતે માં સાક્ષાત ઊભા છે : CM
ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે એક અનોખું મિલન અને સમાજ માટે સુખદ કહી શકાય તેવો દ્રશ્યો જોવા મળ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક બીજાને ગળે મળ્યા હતા.

ઘણા સમયથી પાટીદાર સમાજના બે મોટા નેતા નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહ ચાલી રહી હોઈ તેવી ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ખોડલધામના આંગણે સમાજના બે અગ્રણીઓ એક થયા હોય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ત્યાં હાજર સૌ કોઈએ બંનેના આ સુખદ મિલનને વધાવી લીધો હતો. લોકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. આ ક્ષણે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખોડલધામ ખાતે માં સાક્ષાત ઊભા હોઈ તેવું લાગી રહ્યું છે.
દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. અહીંયા માત્ર પાટીદાર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના માઇભક્તો આવે છે. નરેશ પટેલ અને તેમની ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે. દર્દી નારાયણ માટે આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય ખોડલધામ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ખોડલધામ એક મંદિર નહીં પરંતુ એક વિચાર છે. સંગઠન અને સંગઠિત બની ૧૮ વર્ણની સેવા કરવાનું કામ ખોડલધામ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતવાસીઓની સેવા કરી શકે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલનું સન્માન કરાયું.