Last Updated on by Sampurna Samachar
વિદેશી યુવતી અને બિહારી યુવકના પરિવારજનોની હાજરીમાં થયા લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં હમણાં એક અનોખી પ્રેમ કહાણી ચર્ચામાં છે. જેમાં એક અમેરિકન યુવતી ભારતીય યુવકના પ્રેમમાં પોતાનો દેશ છોડીને તેની સાથે લગ્ન કરવા માટે ભારત આવી ગઈ છે. યુવક બિહારનો રહેવાસી છે અને બંનેએ ગત ૨૦ જાન્યુઆરીએ હિન્દુ રીતિ રિવાજ સાથે બિહારમાં જ લગ્ન કરી લીધા. આ લગ્નમાં યુવતીના પરિવારજન અને મહેમાન પણ સામેલ થયા અને લગ્નના સાક્ષી બન્યા.
હવે આ લગ્નની ચર્ચા સમગ્ર બિહારમાં થઈ રહી છે અને લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્ન બિહારના સારણ જિલ્લાના દાઉદપુર વિસ્તારના ચંદઉપુર ગામમાં થયા. વરનું નામ આનંદ કુમાર સિંહ અને કન્યાનું નામ સફાયર સેંગર છે. બંને અમેરિકામાં મળ્યા હતા. આનંદ કુમાર જે હોટલમાં શેફ હતા. સફાયર ત્યાંની મેનેજર હતી. આનંદે જણાવ્યું કે સાથે કામ કરતાં બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા આગળ વધી, જેને તેમણે પ્રેમનું નામ આપ્યું.
બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લીધો અને પોતાના પરિવારજનો સાથે વાત કરી. પરિવારજનો પણ લગ્ન માટે માની ગયા અને સફાયર પોતાના પરિવાર સાથે ઈન્ડિયા આવી ગઈ. ગામમાં જ બંનેએ પોતાના પરિવારજનોની હાજરીમાં ધામધૂમથી ૭ ફેરા લીધા. લગ્નમાં સમગ્ર ગામ, સગાં-વ્હાલા અને મિત્રો સામેલ થયા. લગ્ન સંપૂર્ણ હિંદુ રીતિ રિવાજ સાથે થયા. આનંદે જણાવ્યું કે અમારા લગ્નને સમગ્ર ગામનું સમર્થન મળ્યું. સગા-વ્હાલા પણ ખૂબ ખુશ છે.
આનંદ કુમારે જણાવ્યું કે સફાયર સેંગરની સાથે હું ૬ વર્ષથી રિલેશનમાં છું. હું ૧૦ વર્ષથી અમેરિકામાં છું. મે હોટલ મેનેજમેન્ટ કર્યું હતું અને ૧૦ વર્ષ પહેલા અમેરિકા ગયો હતો, ત્યાં પહેલા મે શેફની નોકરી કરી, જ્યાં મને સફાયર મળી. આજે ત્યાં અમારી પોતાની રેસ્ટોરન્ટ છે અને તેને અમે બંનેએ મળીને શરૂ કરી છે. સફાયરને થોડી હિન્દી પણ આવડે છે. જે મે જ તેને ૬ વર્ષમાં શીખવાડી છે.