Last Updated on by Sampurna Samachar
ખેલાડીના જવાથી હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી ગઈ
સમગ્ર સિઝન દરમિયાન ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ (IPL ૨૦૨૫)માં મુંબઈ ઇન્ડિયન્સનો રસ્તો સરળ લાગતો નથી. પંજાબ કિંગ્સ (PBKS) સામે હાર્યા બાદ, તેઓ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તેમને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરવો પડશે. આ મેચ પહેલા ૩ ખેલાડીઓએ મુંબઈ ઇન્ડિયન્સને અલવિદા કહ્યું છે. તેમના જવાથી હાર્દિક પંડ્યાની મુશ્કેલી વધી ગઈ છે.
રાયન રિકલ્ટન, કોર્બિન બોશ અને વિલ જેક્સ રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે સ્વદેશ પરત ફર્યા છે. રિકેલ્ટન અને બોશ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં જોડાશે, જ્યારે જેક્સ ૨૯ મેથી વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T૨૦ શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.
મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં નોંધપાત્ર ફેરફારો
મુંબઈ ઇન્ડિયન્સે એક ફેરવેલનો વીડિયો શેર કર્યો છે. જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને ત્રણેય ખેલાડીઓને ભાવનાત્મક ભાષણ આપતા જોવા મળે છે. આ ત્રણેય વિદેશી ખેલાડીઓના ગયા પછી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં નોંધપાત્ર ફેરફારો થયા. વિકેટકીપર રિકેલ્ટન અને જેક્સ સમગ્ર સિઝન દરમિયાન ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા.
રાયન રિકલ્ટનને ૧૪ મેચમાં ૩ અડધી સદીની મદદથી ૩૮૮ રન બનાવ્યા. વિલ જેક્સે ૧૩ મેચની ૧૧ ઇનિંગ્સમાં ૨૩૩ રન બનાવ્યા. આમાં ૧ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે ૬ વિકેટ પણ લીધી. બોશે ૩ મેચની ૨ ઇનિંગ્સમાં ૪૭ રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર ૩૨ છે. આ ઉપરાંત, તેણે ૧ વિકેટ પણ લીધી. મુંબઈ ઇન્ડિયન્સે આ ત્રણ ખેલાડીઓના સ્થાને જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને ચરિથ અસલંકાને પસંદ કર્યા છે.