Last Updated on by Sampurna Samachar
નેધરલૅન્ડ, ડેનમાર્ક અને જર્મની દેશના નેતાઓને મળશે
ઓપરેશન સિંદુર સબંધિત માહિતી આપશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશમંત્રી એસ જયશંકર ૬ દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલૅન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંકર (JAYSHANKAR) તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી શેર કરી શકે છે.

વિદેશમંત્રી એસ જયશંકર નેધરલૅન્ડ, ડેનમાર્ક અને જર્મનીની ૬ દિવસની મુલાકાત માટે રવાના થયા છે. જયાં તેમના આ યાત્રા ૨૪ મે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, તેઓ આ દેશોના નેતાઓ અને વિદેશમંત્રીને મળશે અને પરસ્પર સહયોગ, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને સરહદ પાર આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનના મુદ્દા પર ચર્ચા કરી શકશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ
જણાવી દઈએ કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ હતી. આ પછી વિદેશમંત્રી જયશંકરનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો.
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર‘ શરુ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.