Last Updated on by Sampurna Samachar
કરોડોની કિંમતના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવામાં આવ્યું
કુલ રૂપિયા ૧.૮૬ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ગ્રામ્યના અસલાલી ડિવિઝન હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા અલગ-અલગ રેડ દરમિયાન પકડાયેલા કરોડોની કિંમતના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

અસલાલી ડિવિઝન પોલીસ દ્વારા કુલ ૪૦,૨૫૯ નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૮૬,૨૧,૮૦૫/- થાય છે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો અસલાલી, કણભા અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પકડવામાં આવ્યો હતો.
કુલ રૂપિયા ૧.૮૬ કરોડથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરાયો
અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં આ તમામ મુદ્દામાલ પર રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ત્રણ મુખ્ય પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો સમાવેશ કરાયો હતો.
જેમાં અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૦૧/૧૦/૨૦૨૫થી તારીખ ૨૦/૦૧/૨૦૨૬ સુધી પકડાયેલી કુલ ૨૮,૫૫૫ બોટલ, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૦૧/૦૮/૨૦૨૫થી તારીખ ૩૧/૧૨/૨૦૨૫ સુધી પકડાયેલી કુલ ૨,૯૯૯ બોટલ અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૦૧/૦૮/૨૦૨૫થી તારીખ ૩૧/૧૨/૨૦૨૫ સુધી પકડાયેલા કુલ ૮,૭૦૫ બોટલનો નાશ અસલાલી ખાતે કરાયો હતો. આમ અસલાલી ડિવિઝન દ્વારા કુલ રૂપિયા ૧.૮૬ કરોડથી વધુની કિંમતના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.