Last Updated on by Sampurna Samachar
ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યુ છે યુદ્ધ
સીઝફાયર તરફનું પ્રથમ પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે સીઝફાયર થઈ રહ્યું નથી. જોકે, હાલમાં જ બંને દેશોએ એક માનવીય કરાર કર્યો છે. જેને સીઝફાયર તરફનું પ્રથમ પગલું માનવામાં આવ્યું છે.
બંને દેશોએ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોની અદલા-બદલી કરતો માનવીય કરાર કર્યો છે. જૂન, ૨૦૨૫ માં ઈસ્તંબુલ કરાર હેઠળ પાંચમી વખત બંને દેશો પોતાના સૈનિકોના મૃતદેહોની અદલા-બદલી કરી છે. ક્રેમલિને ટોચના સલાહકાર વ્લાદિમીર મેદિન્સ્કીએ આ અંગે માહિતી આપી હતી કે, રશિયાએ ૧,૦૦૦ યુક્રેનના સૈનિકોના શબ યુક્રેનને સોંપ્યા છે, જ્યારે યુક્રેને રશિયાને ૧૯ સૈનિકોના શબ સોંપ્યા છે.
રશિયા યુક્રેનના શહેરો પર કબજો કરી રહ્યું છે
રશિયા અને યુક્રેને પહેલી વાર યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના શબની અદલા-બદલી કરી હતી. આ પહેલ તુર્કીના ઈસ્તંબુલ શહેરમાં ગુપ્ત વાર્તા બાદ થઈ હતી. ત્યારબાદ અત્યારસુધી ઓછામાં ઓછી પાંચ વખત બંને દેશો વચ્ચે માનવતાના ધોરણે અદલા-બદલી થઈ હતી. મૃતદેહોની અદલા-બદલી સ્વાસ્થ્ય, ન્યાય અને સંરક્ષણ મંત્રાલયની નજર હેઠળ થઈ રહી છે. આ કરાર ભલે સીઝફાયરની દિશામાં સીધું પગલું નથી, પરંતુ તેનાથી સંકેત જરૂર મળ્યો છે કે, બંને દેશો માનવીય ધોરણે અમુક માપદંડોનું સન્માન કરવા સહમત થયા છે.
યુક્રેનના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. યુક્રેનના નાણા મંત્રી અને અમેરિકા સાથે ખનિજ સમાધાનના મુખ્ય વાર્તાકાર રહી ચૂકેલા યુલિયા સ્વિરીડેનકોને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. ૨૦૨૨માં રશિયાના હુમલા બાદ યુક્રેનના રાજકારણમાં આટલો મોટો ફેરફાર થયો છે.
આ ફેરફાર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નિર્દેશ પર થયો છે. યુલિયા પહેલાં ડેનિસ શ્મિહાલ માર્ચ, ૨૦૨૦થી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા હતાં. તેમને હવે દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પર યુદ્ધ ચાલુ રાખવા અને સ્વછંદી વલણ અપનાવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. રશિયા સતત યુક્રેનના શહેરો પર કબજો કરી રહ્યું છે.