Last Updated on by Sampurna Samachar
મોટા શહેરોમાં ભાડાના ખર્ચમાં ૭ થી ૧૦ ટકાનો વધારો
રિયલ એસ્ટેટ નિષ્ણાંતોના સર્વેમાં જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના સમયમાં ઘરનું ઘર બનાવવું હોય તો મધ્યમવર્ગીય પરિવાર માટે અઘરૂ બની રહ્યું છે. હપ્તા ભરે કે ડાઉન પેમેન્ટ લાવે. આ કારણે અનેક લોકો ભાડાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જોકે, હવે ભાડાના ઘરમાં રહેવા માટે લોકોને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે, લોકોની બચત ઘટી રહી છે અને બીજી તરફ, ભાડાના મકાન પણ હવે મોંઘા પડવા લાગ્યા છે. નિષ્ણાતો કહે છે કે મકાનોના ભાવ ફુગાવા કરતા વધુ ઝડપથી વધશે અને ભાડા ઘણા વર્ષોથી આકાશને આંબી રહ્યા છે.
રોઈટર્સનો એક સરવે કહે છે કે, નવું ઘર ખરીદનારાઓને હાલ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. કારણ કે, માંગ એટલી વધી છે કે, તેને પહોંચી વળવા માટે પુરવઠો ઓછો છે. ત્યારે આ કારણે અનેક લોકો ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. આ કારણે ભાડાના મકાનનું માર્કેટ ઉંચકાયું છે. તોતિંગ ભાડા વસૂલાઈ રહ્યાં છે. રિયલ એસ્ટેટ માર્કેટના નિષ્ણાતો વચ્ચે કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મકાનોના આસમાને પહોંચતા ભાવોને કારણે મોટાભાગના લોકો ભાડા પર રહે છે.
ભાડાના મકાનમાં લોકો રહેવા મજબૂર બન્યા
આંકડો કહે છે કે, ભારતના મોટા શહેરોમાં ભાડાના ખર્ચમાં ૭ થી ૧૦ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે, મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં મકાનના ભાડાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં સરેરાશ ઘરની કિંમતો અને ભાડા ખર્ચ આ વર્ષે ગ્રાહક ફુગાવા કરતા વધુ વધવાની ધારણા છે. જો આવું જ ચાલ્યું તો મકાનોના ભાવ અને ભાડાના ભાવ એટલા વધી જશે કે લોકોને પોસાશે નહિ.
ભારતમાં સરેરાશ ભાવ વધવાનો રેશિયો ગત વર્ષ સુધી ૪ ટકા હતો, જે આ વર્ષે ૬.૫ ટકાથી લઈને ૬ ટકા થઈ ગયો છે. ભાડાથી મકાનની ડિમાન્ડ વધી રહી છે. આ જ કારણ છે કે, મકાનોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યાં છે. આવામાં જો નવું ઘર ખરીદવા માંગતા હોય તો તમને વધુ તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
સર્વે કહે છે કે આ ફક્ત એક સમસ્યા નથી, પરંતુ તેની આસપાસ ઘણી સમસ્યાઓ વધી રહી છે. હાલમાં, આપણે એક એવું હાઉસિંગ માર્કેટ જોઈ રહ્યા છીએ જ્યાં ફક્ત ધનિક લોકો જ ખરીદી શકે છે અને એવું લાગતું નથી કે આ ટ્રેન્ડ ટૂંક સમયમાં બદલાશે. ભારતના બે સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો, મુંબઈ અને દિલ્હીમાં આ વર્ષે અને આવતા વર્ષે સરેરાશ ઘરોના ભાવ ૫.૮% થી ૮.૫% વધવાનો અંદાજ છે. સર્વેમાં સામેલ ૫૦% નિષ્ણાતોએ કહ્યું કે ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે, જ્યારે ૫૦% નિષ્ણાતોએ કહ્યું કે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.