Last Updated on by Sampurna Samachar
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ લિયોનેલ મેસીનો શો
ફૂટબોલ રમ્યો અને બાળકો સાથે મજા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજેર્ન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી ૧૩ ડિસેમ્બરે ભારત પહોંચ્યા હતા. ૧૪ વર્ષમાં આ તેમનો ભારતનો પહેલો પ્રવાસ હતો. કોલકાતામાં તેમનો અનુભવ બહુ સારો નહોતો રહ્યો, કારણ કે સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલી અંધાધૂંધીને કારણે તેઓ માત્ર ૨૨ મિનિટ પછી સ્ટેડિયમ છોડીને નીકળી ગયા હતા. હૈદરાબાદમાં તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમ્યો અને બાળકો સાથે મજા કરી.

સોલ્ટ લેક સ્ટેડિયમમાં બનેલી ઘટનાને કારણે, મેસ્સી સારી યાદો સાથે કોલકાતાને અલવિદા કહી શક્યા નહીં. હૈદરાબાદમાં તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમ્યો અને રાહુલ ગાંધીને ટી-શર્ટ પણ ભેટ આપી, જેના ફોટા રાહુલ ગાંધીએ પોતે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા. લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલે પણ હૈદરાબાદમાં મેસ્સી સાથે મજા કરી.
કોલકાતામાં ૭૦ ફૂટ ઊંચા સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું
લિયોનેલ મેસ્સી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થોડા મોડા પહોંચ્યા, પરંતુ કેમેરા તરફ જોતાં જ તેમણે ચાહકોના અભિવાદન સ્વીકાર્યા, દર્શકો ખુશીથી છલકાઈ ગયા. ત્રણેય ફૂટબોલરોએ પણ બાળકો સાથે ખૂબ મજા કરી. ફૂટબોલ મેચ દરમિયાન મેસ્સી, સુઆરેઝ, ડી પોલ અને રેડ્ડી દ્વારા કરવામાં આવેલી કવાયતોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. હૈદરાબાદને વિદાય આપતી વખતે, મેસીએ આયોજકોને આજેર્ન્ટિના ફૂટબોલ જર્સી ભેટમાં આપી. તેમણે સ્પેનિશમાં ચાહકોનો આભાર પણ માન્યો.
રાહુલ ગાંધીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર લિયોનેલ મેસ્સી સાથેના ફોટા શેર કર્યા. તેમણે પહેલા એક વિડીયો ક્લિપ શેર કરી જેમાં તેઓ લિયોનેલ મેસ્સી, રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે ચાલતા અને વાત કરતા જોવા મળે છે, અને તેઓએ સાથે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો હતો. બીજા એક ફોટામાં, લિયોનેલ મેસ્સી તેમને ટી-શર્ટ ભેટમાં આપતા જોવા મળે છે.
આ પહેલા, લિયોનેલ મેસ્સીએ કોલકાતામાં તેમના ૭૦ ફૂટ ઊંચા સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું. જોકે, સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા પછી, ચાહકોએ મેદાન પર બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકવાનું શરૂ કર્યું. આ કારણે, મેસ્સીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના માટે સોશિયલ મીડિયા દ્વારા મેસ્સી અને તેમના સાથી ખેલાડીઓની માફી માંગી.