ફ્રાન્સથી અભ્યાસ માટે ભારત આવ્યો હતો યુવક
યુવક સેન્ડવીચ વેચીને કમાઈ રહ્યો છે કરોડો રૂપિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલના સમયમાં કેટલાક લોકો એવું માને છે કે ભારતમાં રોજગારીની તકો ઘણી ઓછી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો કમાવા માટે વિદેશમાં જાય છે. પરંતુ આપણે આપણા દેશમાં ઊંડાણપૂર્વક જોઈએ તો અહીં પણ ઘણી રોજગારીની તકો છે. આવી જ એક તકને ફ્રાન્સના એક યુવકે ઝડપી લીધી છે. ફ્રાન્સના નિકોલસ ગ્રોસમી ભારતમાં મોટા ઉદ્યોગપતિ બની ગયા છે. તેમણે બેંગલુરુમાં એક ફૂડ ચેઈન શરૂ કરી છે, જેનાથી તેઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
નિકોલસ ગ્રોસમી પેરિસ પાનિની નામની સેન્ડવીચ બ્રાન્ડ ચલાવે છે. બેંગલુરુમાં તેમની ઘણી રેસ્ટોરન્ટ છે. સેન્ડવીચ વેચીને તેઓ વાર્ષિક ૫૦ કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે ગ્રોથએક્સ નામની યુટ્યુબ ચેનલ પર સંઘર્ષથી સફળતા સુધીની કહાની જણાવી છે. તેમણે કહ્યું કે, તેઓ ફ્રાન્સના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ ૨૨ વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રી કરવા માટે ભારત આવ્યા હતા.
તેઓ કહે છે કે, તેમના માતા-પિતા શિક્ષક હતા. તેઓ રસોડામાં રસોઈ બનાવવામાં માતાની મદદ કરતા હતા. જેથી તેમને રસોઈ બનાવવાનો શોખ જાગ્યો. ભારતમાં અભ્યાસ કર્યા બાદ તેમણે વર્ષ ૨૦૧૫માં ફૂડ ટ્રક દ્વારા ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. આજે બેંગલુરુમાં તેમના ૮ ડાઇનિંગ આઉટલેટ્સ અને ૭ ક્લાઉડ કિચન છે.
તેમણે કહ્યું કે, તેમને બાળપણથી જ સેન્ડવીચ પસંદ ખૂબ જ પસંદ હતી. આ કારણે તેમણે આમાં બિઝનેસ શરૂ કર્યો. આજે તેમની બ્રાન્ડ પેરીસ પાણીની વિવિધ પ્રકારની સેન્ડવીચ વેચે છે. નિકોલસ કહે છે કે, મજબૂત ઓળખ બનાવવા માટે બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. વીડિયોમાં તેમણે તેમના બિઝનેસનું અર્થશાસ્ત્ર પણ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, કુલ આવકમાં ખાદ્યપદાર્થોની કિંમત નો હિસ્સો ૨૮ ટકા હોય છે.
૧૦ ટકા પૈસા ભાડું ચૂકવવામાં ખર્ચ થાય છે. ૩૫ ટકા રકમ પગાર અને એડમિન પાછળ ખર્ચ થાય છે. ૧૦ ટકા માર્કેટિંગમાં ખર્ચ થાય છે. ત્યારબાદ વધ્યા ૧૫ ટકા, આ ૧૫ ટકા નફો હોય છે.
નિકોલસ ગ્રોસમીએ જણાવ્યું કે, તેમની માસિક આવક ૪ કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક લગભગ ૫૦ કરોડ રૂપિયા છે. મોટા ભાગનું વેચાણ ઓનલાઈન થાય છે. ૭૦ ટકા જેટલું ઓનલાઈન વેચાણ થાય છે. બાકીના ૩૦ ટકા વેચાણ એવા ગ્રાહકો પાસેથી આવે થાય છે જેઓ રેસ્ટોરન્ટમાં બેસીને સેન્ડવીચ ખાય છે.