Last Updated on by Sampurna Samachar
100 થી યુનિટમાં વિભાગે કર્યુ ચેકિંગ
નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં ખાણીપીણીનો વેપાર કરતા એકમો પર કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યુ હતું. જ્યાં શંકાસ્પદ લાગતા ખાદ્ય પદાર્થોના નમૂના લઇ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ઉમા ચાર રસ્તા, કારેલીબાગ, ન્યુ વી.આઈ.પી. રોડ, અમીતનગર સર્કલ, ખીસકોલી સર્કલ, ગોરવા, જી.આઈ.ડી.સી., મકરપુરા ડેપો પાછળ અને છાણી સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન ૫ રિટેલર, ૧ ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ, ૨ કેટરિંગ અને ૧ રેસ્ટોરન્ટ સહિત કુલ ૯ યુનિટમાંથી નમૂના લેવાયા હતા.
૧૦૧ યુનિટમાં ઇન્સપેક્શન હાથ ધરાયું હતું
તેમજ ચોકો ડિલાઇટ કેક, ક્લાસિક ડિલાઇટ કેક, બેસન, ચોખા, પનીર હાંડી, છોલે, બાર મિલ્ક, વેજ બિરયાની, રોટલી, ઘી, ગાયનું દૂધ, ખજુરનો હલવો, જલેબી, ડ્રાય કચોરી, ઉંધીયું, કેસરી પેંડા, સેવખમણી અને ચોકલેટ બરફી સહિત કુલ ૧૯ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ઉપરાંત શહેરની મહારાણી સ્કૂલ, માંડવી ચાર દરવાજા, ગાજરાવાડી, સીધ્ધનાથ રોડ, કિશનવાડી, વાડી, રાવપુરા ટાવર, સુર્યનારાયણ મંદિર, રેલ્વે સ્ટેશન નજીક હીરકબાગ, જનમહલ એસ.ટી. ડેપો, વગેરે વિસ્તારોમાં આવેલા ખાદ્ય યુનિટોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ૩૬ હોકર, ૨૯ રિટેલર, ૧૬ ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ અને ૨૦ રેસ્ટોરન્ટ સહિત કુલ ૧૦૧ યુનિટમાં ઇન્સપેક્શન હાથ ધરાયું હતું.
માંડવી–પાણીગેટ વચ્ચે આવેલ લકી ચાઇનીઝ નામની યુનિટમાંથી ૧૦ કિલો રંગીન ચીકનનો જથ્થો અખાદ્ય જણાતાં નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફતેગંજ વિસ્તારમાં આવેલા સુબા ઇલાઈટ રેસ્ટોરન્ટમાંથી ૮ કિલો અખાદ્ય માંસનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે.