Last Updated on by Sampurna Samachar
ભોજપુરી સ્ટાર અક્ષરાસિંહની ગિરિરાજ સિંહ સાથે મુલાકાતથી અટકળો
બિહારના રાજકારણમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં ચૂંટણી દરમિયાન ભોજપુરી સ્ટાર અને નેતાઓની રાજકીય ખીચડી રંધાવા લાગી છે. પાવરસ્ટાર પવન સિંહ બાદ હવે જાણીતી ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહે બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહ સાથે મુલાકાત કરી છે.
થોડા દિવસ પહેલાં પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ભગવો ધારણ કર્યો હતો. વળી, લોકગાયિકા મૈથેલી ઠાકુરે પણ ઓફર મળ્યા બાદ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી દરમિયાન અક્ષરા અને ગિરિરાજની મુલાકાત બાદ અનેક પ્રકારની રાજકીય અટકળો શરૂ થઈ છે. જોકે, હજુ સુધી એ જાણ નથી થઈ શકી કે, બંને વચ્ચે મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ હતી.
અક્ષરાના સોશિયલ મીડયા પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું
ગિરિરાજ સિંહ સાથે મુલાકાત બાદ અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લખ્યું કે, ‘આજે માનનીય ગિરિરાજ સિંહ સાથે શિષ્ટાચાર મુલાકાત અને આશિર્વાદ મળ્યા.‘ આ પોસ્ટ બાદ યુઝર્સે અક્ષરા ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. જોકે, અક્ષરાના સોશિયલ મીડયા પોસ્ટ બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. આ ફક્ત શિષ્ટાચાર મુલાકાત હતી કે તેની પાછળ કોઈ રાજકીય કારણ હતું તે હજુ સ્પષ્ટ નથી થયું.
અક્ષરા સિંહ વર્ષ ૨૦૨૩માં પોતાના પિતા સાથે પ્રશાંત કિશોરની જન સુરાજના મંચ પર પણ જોવા મળી હતી. તેણે પ્રશાંત કિશોરના ખૂબ વખાણ કર્યા હતા. ત્યાર બાદ એવી ચર્ચા તેજ થઈ કે, તે જનસુરાજ પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ, આવું કશું થયું નહીં. તે વખતે તેણે કહ્યું હતું કે, ‘મારે કોઈ પાર્ટી સાથે નથી જોડાવું, હું ફક્ત વિચારધારા માટે જોડાઈ છું.