ધારાસભ્ય જીતુ વાઘાણીએ અડધા બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર શહેરમાં તૈયાર કરવામાં આવી રહેલા પહેલા ફ્લાયઓવરનું ૨૦૧૯માં ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે ચાર વર્ષ બાદ આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું . આ ફ્લાયઓવરનું નિર્માણ રૂ.૧૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે આટલા વર્ષો બાદ ફ્લાયઓવરનું ‘વન-વે’ એટલે કે અડધા બ્રિજનું ઉદ્ધાટન કરાયું છે, જેમાં દેસાઈનગરથી RTO સુધીનો ફ્લાયઓવર શરૂ કરવામાં આવ્યો છે.
વિજય રૂપાણીની સરકારે વખતે ભાવનગરના પહેલા ફ્લાયઓવરને તૈયાર કરવા માટે રૂ.૧૧૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરની ‘વન-વે’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અડધા ફ્લાયઓવરના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ બહેન પંડ્યા, ભાવનગર મેયર સહિત ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઈક ચલાવીને ઓપનિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે હેલ્મેટ ન પહેરીને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો.
જીતુ વાઘાણીએ કહ્યું કે, લોકાર્પણ બાદ હવે દેસાઈનગરથી RTO સુધી લોકો ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે. જેમાં એક બાજુની સાઈડ ખોલવામાં આવી છે. અમુક ટેકનિકલ બાબતોના કારણે ફ્લાયઓવરના નિર્માણ કાર્યમાં થોડું મોડું થયું છે, પરંતુ કારણો શોધીને ૧ મે, પહેલા ફ્લાયઓવરની બંને સાઈડ ખુલ્લી મુકાશે. જેથી લોકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.’શહેરીજનોનું કહેવું છે કે, ફ્લાયઓવરના નિર્માણના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પેચીદી બની ગઈ છે. એટલે વહેલી તકે બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી તેવી માંગ કરી હતી.