Last Updated on by Sampurna Samachar
દિલ્હી હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહી છે
અલીપુર પાસે ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં હાલ પૂરનું ભારે સંકટ ઊભું થયું છે. યમુના નદીનું જળસ્તર જોખમના નિશાનથી ઉપર વહી રહ્યું છે અને તેની સીધી અસર જાહેર જીવન પર દેખાઈ રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, પૂરના પાણી દિલ્હી સચિવાલય સુધી પહોંચી ગયા છે, જ્યારે મયુર વિહાર ફેઝ-૧ માં બનેલા રાહત શિબિરો પણ ડૂબી ગયા છે. સ્વામી નારાયણ મંદિર, ફૂટઓવર બ્રિજ અને સિવિલ લાઇન્સ વિસ્તાર પણ પાણીથી ભરાઈ ગયા છે. અહીંના બંગલા પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.
બીજી બાજું, NH-44 પર અલીપુર પાસે ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક વાહન ફસાઈ ગયું અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો. સચિવાલય, રાહત શિબિરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હોવાથી, સ્પષ્ટ છે કે દિલ્હી હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહી છે અને લોકો સલામતી તેમજ અવર-જવરનો માટે પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ગીતા કોલોની પરિસરમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે અંતિમ સંસ્કાર બંધ કરી દેવામાં આવ્યા છે.
યમુના નદીના પાણીનું સ્તર ૨૦૭.૪૭ મીટર પર સ્થિર
દિલ્હી સચિવાલય પાસે યમુનાનું પાણી પહોંચી ગયું છે. યમુના પૂરના મેદાનને અડીને આવેલા દિલ્હી સચિવાલયના અંડરપાસમાં પાણી ભરાઈ રહ્યું છે, તેને દૂર કરવા માટે સક્શન પાઇપ પણ લગાવવામાં આવી છે, પરંતુ હાલ તે હજુ પણ પાણીથી ભરેલું છે. આ સાથે, યમુના નદીના વધતા જળસ્તરને કારણે, કાશ્મીરી ગેટ વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે. ડ્રોનથી લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે યમુનાના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ ડૂબી ગયું છે.
મળતી માહિતી મુજબ, યમુના નદીના પાણીનું સ્તર ૨૦૭.૪૭ મીટર પર સ્થિર રહ્યું. રાત્રે ૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી, પાણીનું સ્તર વધ્યું કે ઘટ્યું નહીં. જોકે, ભયનું નિશાન ૨૦૫.૩૩ મીટર છે, જેની ઉપર નદી હાલમાં વહી રહી છે. રિંગ રોડ સાથે જોડાયેલા યમુના રોડ પર ભારે પાણી ભરાઈ ગયું છે, જે સિવિલ લાઇન તરફ જાય છે.
દિલ્હીના ITO ક્રોસિંગ પર સૌથી વધુ મુશ્કેલી જોવા મળી રહી છે. વહીવટીતંત્રે સાવચેતી રૂપે રાજઘાટ તરફ જતો રસ્તો બંધ કરી દીધો હતો. અહીં રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. રિંગ રોડ પાસે આવેલી સરકારી કચેરીઓની બહાર પાણી ભરાઈ જવાને કારણે અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું હતું. ડ્રેનેજના અભાવે ગટરનું પાણી સીધું રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આવતા-જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદની અસર દિલ્હીના રસ્તા અને માળખાગત સુવિધાઓ પર જોવા મળી રહી છે. અલીપુર નજીક બનેલો ફ્લાયઓવર ધરાશાયી થયો. આ અકસ્માતમાં એક થ્રી-વ્હીલર વાહન ફસાઈ ગયું અને તેના ચાલકને ઈજા થઈ. દુર્ઘટના બાદ પણ ત્યાંથી પસાર થતા વાહનોની અવરજવર બંધ થઈ નહીં. સ્થાનિકોનું કહેવું છે કે, ફ્લાયઓવર નીચે માટી સતત ધસી રહી છે અને જો સમયસર ટ્રાફિક બંધ ન કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.