Last Updated on by Sampurna Samachar
પંજાબને ત્રણ સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફિટકાર લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્ય છેલ્લા થોડા દિવસથી પૂરની આફતનો સામનો કરી રહ્યો છે. પૂરથી પ્રભાવિત રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં જનજીવન ખોરવાયુ છે. આ રાજ્યોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને તેમની બેન્ચે જણાવ્યું કે, પહેલી નજરે એવુ લાગે છે કે, વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી આ મામલે જવાબ માગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને પંજાબને ત્રણ સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.
ચીફ જસ્ટિસે પણ સહમતિ દર્શાવી
સીજેઆઈએ આ મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, આ પૂરની સ્થિતિ પહાડના ટોચના વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષોનું આડેધડ નિકંદન થયુ હોવાનો સંકેત આપે છે. સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધી આ પરિસ્થિતિ પાછળના કારણો જાણવા આદેશ છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, તે પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક સાધી આ મામલે વિસ્તૃત માહિતી મેળવશે. અમે પ્રકૃતિની સાથે એટલો બધો હસ્તક્ષેપ કર્યો છે કે, હવે તે અમને નુકસાન પહોંચાડી રહી છે. આ મામલે ચીફ જસ્ટિસે પણ સહમતિ દર્શાવી હતી.
સીજેઆઈ ગવઈએ આગળ કહ્યું કે, અમે અનરાધાર વરસાદ અને પૂરની સ્થિતિ જોઈ છે. તે અત્યંત ગંભીર મામલો છે. અમે પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરને નોટિસ આપી છે. આ રાજ્યની સરકારે આગામી ત્રણ સપ્તાહમાં અમારી સમક્ષ જવાબ રજૂ કરવો પડશે. તેમણે મહેતાને પણ કહ્યું કે, કેન્દ્ર પણ આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપે. પૂરના વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં વૃક્ષોના થડ તણાતા જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે, છેલ્લા થોડા દિવસથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આભ ફાટી નીકળ્યું છે. આકાશમાંથી વાદળ ફાટવાની ઘટના, ભારે વરસાદ, અને ભૂસ્ખ્લન જેવી આપત્તિમાં સેકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આફત અટકવાનું નામ લઈ રહી નથી. અનેક રાજ્યોમાં સંકટના વાદળો છવાયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, અને હિમાચલ પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં પૂરનું એલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.