Last Updated on by Sampurna Samachar
૧૬૫ પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી
નાગપુરમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ માંડ માંડ મોટી દુર્ઘટનાનો ભોગ બનતા અટકી છે. ઉડાન સમયે ફ્લાઈટ સામે અચાનક પક્ષી અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાવહ હતો તે ફ્લાઈટે યૂ-ટર્ન લઈ નાગપુર પરત આવવુ પડ્યું. નાગપુર એરપોર્ટ પર ફ્લાઈટનું લેન્ડિંગ કરાવ્યું હતું. નાગપુર એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
નાગપુર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે આજે સવારે નાગપુરથી કોલકાતા જવા ઉડાન ભરી હતી. પરંતુ ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં જ વિમાન અચાનક પક્ષી સાથે અથડાયું હતું. આ પ્લેનમાં ૧૬૦-૧૬૫ લોકો સવાર હતાં. પાયલટે સાવચેતીને ધ્યાનમાં લેતાં ફ્લાઈટ પાછી વાળી હતી અને તેનું નાગપુરમાં તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું હતું.
ફ્લાઈટ રદ કરવામાં આવી
નાગપુર એરપોર્ટના સિનિયર એરપોર્ટ ડિરેક્ટર આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, અમે ઘટનાનું નીરિક્ષણ કરી રહ્યા છીએ. વિમાનનું પણ પરીક્ષણ કરી રહ્યા છે. પેસેન્જર્સની સલામતીના પગલે આ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.