Last Updated on by Sampurna Samachar
ચોરીમાં એમેઝોનના બે કર્મચારીઓ સીધા સામેલ હોવાની માહિતી
છેલ્લા બે વર્ષથી વેરહાઉસમાંથી ગાયબ થતો હતો માલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘણાં ભારતીયો વિદેશમાં રોજીરોટી કમાવા જતા હોય છે. જ્યાં મહેનત કરી પૈસા કમાય છે. પરંતુ કેનડામાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જે વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે શરમજનક છે. મળતી માહિતી મુજબ કેનેડાના અજેક્સ શહેરમાં આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે ૧૬ કરોડની કિંમતનો માલ ચોરી કરવાના ગુનામાં પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી એમેઝોનના આ વેરહાઉસમાંથી કિંમતી સામાન ગાયબ થઈ રહ્યો હતો.

ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં એમેઝોનના જ બે કર્મચારીઓ મુખ્ય સૂત્રધાર હતા. તેઓ અંદરથી માલ ચોરી કરીને બહાર મોકલતા હતા, જ્યાં અન્ય ત્રણ શખ્સો આ માલને વેચવામાં મદદ કરતા હતા. નવેમ્બર ૨૦૨૫માં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. સતત વોચ રાખ્યા બાદ પોલીસે બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્કારબોરો વિસ્તારમાં સર્ચ વોરન્ટ દરમિયાન અન્ય ત્રણ સાગરીતો પણ પકડાઈ ગયા હતા.
ધરપકડ કરાયેલા પાંચેય વ્યક્તિઓ ગુજરાતી મૂળના
૧. મેહુલ બળદેવભાઈ પટેલ (ઉંમર ૩૬, ન્યુમાર્કેટ): ૫૦૦૦ થી વધુની છેતરપિંડી અને ચોરીનો આરોપ.
૨. આશિષકુમાર સવાણી (ઉંમર ૩૧, સ્કારબરો): છેતરપિંડી, ચોરી, ગુનાહિત રીતે મેળવેલી મિલકતનું વેચાણ અને હેરાફેરીના આરોપો.
૩. બંસરી સવાણી (ઉંમર ૨૮, સ્કારબરો): ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવી અને ગુનાની કમાણી રાખવાનો આરોપ.
૪. યશ ધામેલિયા (ઉંમર ૨૯, સ્કારબરો): હેરાફેરીના હેતુથી ગુનાહિત મિલકત રાખવાનો આરોપ.
૫. જાનવીબેન ધામેલિયા (ઉંમર ૨૮, સ્કારબરો): હેરાફેરીના હેતુથી ગુનાહિત મિલકત રાખવાનો આરોપ.
આ ટોળકી પર અત્યાર સુધીમાં કુલ ૧૨ થી વધુ કેસ
પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સ્કારબોરો સ્થિત રહેઠાણમાંથી અંદાજે ૨ કરોડની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ૪૦ લાખ રોકડા મળી આવ્યા હતા. આ ટોળકી પર અત્યાર સુધીમાં કુલ ૧૨ થી વધુ ગંભીર આરોપો નોંધવામાં આવ્યા છે.
કેનેડાના કાયદા મુજબ, જો આ આરોપીઓ પરના ગુના સાબિત થશે, તો તેમને લાંબા સમયની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, જો તેઓ ત્યાં કાયમી રહેવાસી કે નાગરિકતા ધરાવતા નહીં હોય, તો તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. હાલમાં પોલીસ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે જો કોઈની પાસે આ ઘટના અથવા આવી જ અન્ય કોઈ ઘટના અંગે માહિતી હોય, તો તેઓ ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ યુનિટના ડી/કોન્સ્ટેબલ બોનરનો ૧-૮૮૮-૫૭૯-૧૫૨૦ પર સંપર્ક કરી શકે છે. તમે ગુપ્ત રીતે ડરહામ રિજનલ ક્રાઈમ સ્ટોપર્સને પણ જાણ કરી શકો છો, જે બદલ રોકડ ઈનામ પણ મળી શકે છે.