Last Updated on by Sampurna Samachar
ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની અનેક ઘટના
૨૩ જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેદારનાથ જતાં માર્ગ પર વરસાદને કારણે અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગૌરીકુંડ – કેદારનાથ (KEDARNATH) પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, ભુસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા. જેમાં બેના મોત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે ભુસ્ખલનની દુર્ઘટના વધી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર પૂર્વાનુમાન અનુસાર, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવાઈ છે. ૨૩ જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે.
કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી
કેદારનાથમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેનો સંપૂર્ણ કાટમાળ દૂર કરતાં બે દિવસ થયા હતા. ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જેમાં ૧ નું મોત અને બે ઘાયલ થયા હતાં. જોકે, કાટમાળ દૂર કરાયા બાદ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.