Last Updated on by Sampurna Samachar
બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપનીના હોવાની માહિતી
ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટીએ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુરોપના ફિનલેન્ડમાં જંગલ વિસ્તારમાં બે હેલિકોપ્ટરનો અકસ્માત સર્જાયો હતો. આ મોટી દુર્ઘટના બનતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર દક્ષિણપૂર્વ ફિનલેન્ડમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં બે હેલિકોપ્ટર (helicopter) ધડાકાભેર અથડાતાં પાંચ લોકોના મોત થયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં. આ બંને હેલિકોપ્ટરનું કચ્ચરઘાણ થયુ હતું. જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ ૭૦૦ મીટર દૂર પડ્યો હતો. તેમજ ફ્લાઈટ પ્લાન અનુસાર, એક હેલિકોપ્ટરમાં બે લોકો અને બીજા હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતાં. બંને હેલિકોપ્ટર ફિનલેન્ડની બહારના હતાં. એક હેલિકોપ્ટર એસ્ટોનિયા અને બીજુ હેલિકોપ્ટર ઓસ્ટ્રિયાનું હતું. જેમાં સવાર તમામના મોત થયા છે.
હોબી એવિએશન ઈવેન્ટમાં જઇ રહ્યા હતા
બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપનીના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. એક હેલિકોપ્ટર હોબી એવિએશન ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. આ ઘટનાની ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટી સંયુક્તપણે તપાસ હાથ ધરી છે.