Last Updated on by Sampurna Samachar
પોલીસે તપાસ આદરી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી
ઘરની બહાર મોડી રાત્રે ફાયરિંગ થયુ હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવુડ ઇન્ડ્રસ્ટ્રી પર જોખમ વધી રહ્યુ હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર બોલિવુડમાંથી આવા સમાચાર સામે આવ્યા છે. આવી જ એક ઘટના ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી સાથે બની છે. જાણવા મળતી માહિતી અનુસાર ફેમસ બોલીવુડ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના જુહુ ખાતે આવેલા ઘરની બહાર મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું છે.

નજરે જોનારા લોકોનું કહેવું છે કે રોહિત શેટ્ટીના ઘરની બહાર ૪ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જુહૂ જેવા પોશ વિસ્તારમાં આ ઘટના બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે સાથે જ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ મામલે રોહિત શેટ્ટી તરફથી કોઇ નિવેદન નહીં
રોહિત શેટ્ટીના ઘરની બહાર ૪ રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવતા મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ફોરેન્સિક ધીમે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી દીધી છે. ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે વાતને પુષ્ટિ મુંબઈ પોલીસ કમિશનરે પણ કરી છે.
ફાયરિંગની ઘટના અંગે મુંબઈ પોલીસ કમિશનરનું કહેવું છે કે રોહિત શેટ્ટીના બિલ્ડીંગ બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે દરેક સંભવિત એંગલની તપાસ કરવામાં આવી રહી છે અને ઝડપથી આરોપીઓને ઓળખી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં રાહતની વાત એ છે કે ફાયરિંગના કારણે કોઈપણ જાનહાની થઈ નથી.
રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયાની વાત સામે આવ્યા પછી પોલીસે રોહિત શેટ્ટીના ઘરની આસપાસ અને સમગ્ર વિસ્તારમાં નકાબંધી શરૂ કરી દીધી છે. સાથે જ પોલીસ સીસીટીવી કેમેરા ફૂટેજ પર ચેક કરી રહી છે જેથી ફાયરીંગ કરનાર લોકોની ઓળખ થઈ શકે. હાલ તો પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિષ્કર્ષ આપવામાં આવ્યું નથી.
પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ સામે આવશે કે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ કરનાર લોકો કોણ હતા અને કયા કારણોસર ફાયરીંગ કરવામાં આવ્યું. રોહિત શેટ્ટી કે તેના પરિવાર તરફથી પણ આ મામલે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.
મહત્વપૂર્ણ છે કે આ ઘટના ત્યારે બની છે જ્યારે બોલીવુડ કલાકારોની સુરક્ષાને લઈને પહેલાથી જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. થોડા મહિના પહેલા સૈફ અલી ખાનના ઘરમાં અજાણી વ્યક્તિ ઘૂસી ગઈ હતી, આ સિવાય સલમાન ખાનના ઘરની બહાર પણ ફાયરિંગની ઘટના બની હતી અને હવે રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ થયાને ઘટના સામે આવી છે.