Last Updated on by Sampurna Samachar
તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાયા
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુરમાં ફરીથી હિંસા ભડકતા સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. મહિનાઓ સુધી હિંસાગ્રસ્ત રહ્યા બાદ થોડા દિવસથી મણિપુરમાં શાંતિ હતી. પરંતુ હવે ઉખરુલના એક ગામમાં અનેક ઘરો પર હુમલો કરી આગચંપી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

સુત્રોથી મળતી માહિતી મુજબ લિટન સારેઈખોંગ ગામમાં આગચંપી અને હિંસા બાદ સમગ્ર ઉખરુલ જિલ્લામાં કરફ્યુ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ પણ પાંચ દિવસ માટે રદ કરી દેવામાં આવી છે. હિંસક તત્વોએ પર્વતીય વિસ્તારોમાં હવામાં ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેટલાક ગ્રામીણો ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પલાયન કરી ગયા. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા.
સમાધાન થવાની જગ્યાએ હિંસા ભડકી
સમગ્ર મામલે તંત્ર કહી રહ્યું છે કે ગામ પાસે સાત-આઠ લોકોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો. જે બાદ સમાધાન કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. બીજા દિવસે બેઠક મળવાની હતી પણ એ પણ થઈ શકી નહીં. જે બાદ અડધી રાતે હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ એક વિશેષ સમુદાયના લોકોના ઘરોમાં આગ લગાવી દીધી. પછી તે સમુદાયના લોકોએ પણ સામેપક્ષે આગચંપીના પ્રયાસો કર્યા.