Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ફાયર મેનની દીકરી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો
ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા તોહેલ મલેક નામના શખ્સે એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા અને સુરક્ષા આપનારા જ જ્યારે હેવાન બને ત્યારે સમાજ માટે ચિંતાનો વિષય બને છે. અમદાવાદના સોલા અને વાડજ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા તોહેલ મલેક નામના શખ્સે એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી તોહેલ મલેકે ફાયર ફાઈટરની પુત્રી એવી સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ, સગીરાનો બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને ગોતા વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીએ જાહેર રોડ પર સગીરાની છેડતી પણ કરી હતી.
આરોપી તોહિત મલેક જાહેર રોડ પર છેડતી કરી
જ્યારે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ અને આરોપી તોહિત મલેક જાહેર રોડ પર છેડતી કરી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોએ તેને અને તેના સાગરીતને પકડી પાડી બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પીડિતાના પિતાએ આ મામલે સોલા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી તોહેલ મલેકની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરૂદ્ધ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ છેડતી અને અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં તેની ધરપકડ થઈ ચૂકી છે. હાલ સોલા પોલીસે છેડતી, મારામારી, અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.