Last Updated on by Sampurna Samachar
જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ
અમદાવાદ, સાણંદ અને બાવળાની ફાયર ટીમો તાત્કાલિક પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાણંદના મોરૈયા GIDC વિસ્તારમાં વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી.

આગની ગંભીરતાને સ્થાનિક સ્તરેથી મદદ માંગવામાં આવી હતી. ઘટનાસ્થળે અમદાવાદ, સાણંદ અને બાવળાની ફાયર ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ફાયર બ્રિગેડની અંદાજે ૫ થી વધુ ગાડીઓ સતત પાણીનો જોતા મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ફેક્ટરીની અંદર રહેલા માલસામાનને કારણે આગ અંદરના ભાગે વધુ ફેલાઈ છે.
કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી
મળતી માહિતી મુજબ, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આગમાં કંપનીનો મશીનરી અને કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચું કારણ અને નુકસાનનો અંદાજ જાણી શકાશે.